ચોર ઝડપાયો:વડોદરામાં કોર્ટ બિલ્ડિંગના મહિલા શૌચાલયમાંથી કિંમતી નળ તેમજ અન્ય સાધનોની ચોરી કરનાર ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે બાતમી આધારે ચોરને ઝડપી પાડ્યો. - Divya Bhaskar
પોલીસે બાતમી આધારે ચોરને ઝડપી પાડ્યો.
  • 10 નંગ સાધનો તસ્કર ચોરી કરી નાસી ગયો હતો

શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કોર્ટ બિલ્ડિંગના મહિલા શૌચાલયમાથી કિંમતી નળ તેમજ અન્ય સાધનોની ચોરી કરનાર નળ ચોરને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી મુદ્દામાલ કબજે કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી મુજબ શહેરના દિવાળીપુરા સ્થિત આવેલ નવી કોર્ટની ઈમારતમા તા. 30 નવેમ્બરથી 5 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર, ત્રીજા માળ અને ચોથા માળે આવેલા લેડીસ ટોયલેટમાંથી નળ તેમજ ફાયર સેફ્ટીની નોઝલ મળી કુલ 10 નંગ સાધનો કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તાપસ શરૂ કરી હતી.

પોલીસે વોચ ગોઠવી ચોરને ઝડપ્યો
દરમિયાન આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી. આર ખેર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, અકોટારોડ દિનેશ મિલ પાસેથી વજનદાર કોથળા સાથે એક શખ્સ ચોરીના માલ સાથે પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી વજનદાર કોથળા સાથે પસાર થનાર યુવકની અટકાયત કરી કોથળાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોથળામાંથી ટોયલેટમાંથી નળ તેમજ ફાયર સેફ્ટીની નોઝલ મળી આવી હતી.

પૂછપરછમાં ચોરીનો ભેદ ઉકેલાયો
પુછપરછ કરતા અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હોય જેથી દિવાળીપુરા કોર્ટમાં મુદત તારીખમાં જતા તે સમયે કોર્ટ પરિસર બિલ્ડિંગમાં લગાડેલા નળ તેમજ ફાયર સેફ્ટીની નોઝલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસે કોર્ટમાંથી ચોરી કરનાર ચિરાગ રમેશભાઈ ઠાકોર (રહે.મહાકાળી સોસાયટી, ન્યુ સામ રોડ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.