ઉડન પરી:દેશી દારૂની ખેપ માટે બાઈકનું પિકઅપ વધારવા કાર્બ્યૂરેટરના જેટના હોલ મોટા કરવાનો પેંતરો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે અને મોડી રાતે પોલીસથી બચવા માટે બેફામ ઝડપે નીકળતા ખેપિયા
  • દેશી દારૂની હેરાફેરી કરવા માટે સૌથી વધુ પલ્સર બાઇક તેમજ એક્ટિવાનો ઉપયોગ

શહેર પોલીસના અનેક પ્રયત્ન છતાં દેશી દારૂની બદીને નાથવામાં સફળતા ન મળવા પાછળ બૂટલેગરો દ્વારા અપનાવતા કીમિયાની માહિતી બહાર આવી છે. દેશી દારૂના થેલા લઈ એક સાથે 10 કે વધુ ઉડનપરી તરીકે ઓળખાતી બાઈક એટલી સ્પીડે હંકારાય છે કે, પોલીસની પીસીઆર કે બાઈક તેમને આંબી શકતી નથી. દેશી દારૂના ખેપિયાઓને મોડિફાઇ કરેલા પલ્સર અપાય છે, પરિણામે પોલીસ પકડી શકતી નથી.

યાંત્રિક ફેરફાર કરીને સેકન્ડોમાં પિકઅપ પકડી લે તેવી બનાવાય છે
બૂટલેગરો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં દેશી દારૂ લાવવા ખેપિયાઓને બજાજ પલ્સર બાઇક જ અપાય છે અને તે પણ 250 કે 400 સીસીની હોય છે. આ હાઈસ્પીડ શ્રેણીમાં આવતી બાઈકમાં યાંત્રિક ફેરફાર કરીને સેકન્ડોમાં પિકઅપ પકડી લે તેવી બનાવી દેવાય છે. બાઇકના કાર્બ્યૂરેટરના જેટ હોલ મોટા કરી દેવા ખાસ નિષ્ણાત ગેરેજ સંચાલકોની મદદ બૂટલેગરો લે છે. જેટનાં હોલ મોટાં કરવાથી એક્સિલેટર અપાતાં નિયત કરતાં વધુ પેટ્રોલનો છંટકાવ કાર્બ્યૂરેટરમાં થાય છે, તેનાથી બાઈક તાત્કાલિક પિકઅપ પકડી લે છે. ખેપિયા તેને ઉડનપરી કહે છે.

મોડિફાઈ કરેલી બાઈકને પૂરપાટ ઝડપે આડેધડ ચલાવે છે
દારૂ ભરેલા થેલા લઈ બેફામ ગતિથી ઉડનપરી ચલાવી પૂરપાટ ઝડપે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવે છે, જેને પોલીસ પણ પકડી શકતી નથી. મોડિફાઈ કરેલી બાઈકને પૂરપાટ ઝડપે આડેધડ ચલાવાતી હોય છે અને વહેલી સવારના અંધારામાં એક સાથે 10 બાઈક નીકળે છે, તેમને પકડવા પોલીસ તો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય છે, પરંતુ ખેપિયા રાહદારીને અડફેટે લઈ અકસ્માત સર્જી શકે તેવી શક્યતા હોવાથી પોલીસ દેશી દારૂની ડિલિવરી થાય પછી જ બૂટલેગરને પકડવાની કોશિશ કરતી હોય છે.

અગાઉ દેશી દારૂ લઈને આવતા ખેપિયાને પકડવા જતાં કેટલાય અકસ્માતો થયા છે, જેમાં ખુદ ખેપિયા ઇજાગ્રસ્ત થયા છે, છતાં બૂટલેગર દ્વારા અપાતા રૂપિયાની લાલચે પોતાનો, પોલીસનો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકે છે.

ગેરેજમાં મિકેનિક ઉડનપરી કેવી રીતે તૈયાર કરે છે?
આજવા રોડથી ખોડિયાર નગર જવાના રસ્તે લારીમાં ગેરેજ ચલાવતા મિકેનિકે જણાવ્યું હતું કે, મારી પાસે પલ્સર બાઈકમાં પિકઅપ વધારવા લોકો આવે છે. જોકે હું સ્પષ્ટપણે કહું છું કે તેનાથી એવરેજ ઓછી થઈ જશે, છતાં લોકો આગ્રહ રાખે તો હું કાર્બ્યૂરેટરના જેટનાં હોલ મોટાં કરી આપું છું. આમ કરવાથી બાઈકને એક્સિલેટર આપતાં જ હવામાં ઊડવા લાગે એટલું પિકઅપ ગણતરીની સેકન્ડોમાં આવી જાય છે.

મોડિફિકેશન થયેલા બાઇક તેમજ ગેરેજ સંચાલક પર પોલીસની નજર
પોલીસ આવા ખેપિયાઓ અને બાઇકનું મોડિફિકેશન કરતા ગેરેજ સંચાલકો પર નજર રાખી રહી છે. શહેરના ટ્રાફિક વિભાગ પણ સીસીટીવી કેમેરાની મદદથી હાઇ સ્પીડમાં જતી બાઇકોના નંબરના આધારે તેમને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરશે.- ચિરાગ કોરડિયા, જોઇન્ટ પોલીસ કમિશનર, વડોદરા

ખેપિયા દ્વારા અનેક અકસ્માતો થયા છે
પલ્સર પર દારૂ લઈ પૂરપાટ આવતા ખેપિયાનો ડભોઇ રોડ પર અગાઉ થયેલા અકસ્માતમાં પગ કપાયો હતો. સમા રોડ પર ખેપિયાની બાઈક કારમાં અથડાઈ હતી. અગાઉ અમિતનગર પાસે એક નેતાના આગમન પૂર્વે ખેપિયાનો અકસ્માત થતાં દારૂની રેલમછેલ થઈ હતી.

મોડિફાઇ કર્યા બાદ ગણતરીની સેકન્ડોમાં પિકઅપ પકડતી બાઇક

  • બાઇકની પિકઅપ વધારવા માટે કાર્બ્યૂરેટરમાં સુધારા-વધારા કરવામાં આવે છે.
  • કાર્બ્યૂરેટરમાં પેટ્રોલનો સ્ત્રાવ વધારવા માટે જેટના હાેલને મોટા કરી દેવાય છે, જેથી ગણતરીની સેકન્ડોમાં જબાઇક પિકઅપ પકડી લે છે.
  • પિત્તળના જેટને ગરમ કરીને તેના હોલ મોટા કરાય છે. પરંતુ તેને કારણે બાઇકમાં પેટ્રોલનો વપરાશ વધી જાય છે.
  • ભારે કમાણી હોવાથી એવરેજ ઓછી હોવા છતાં આવાં મોડિફિકેશન કરાય છે.
અન્ય સમાચારો પણ છે...