કમલમથી ડાન્સર્સની ટીમ આવી:વડોદરામાં ભાજપ અને મોદીના નામે વોટ માંગવા ડાન્સર્સની ટીમ ઉતરી, રોજ સાતથી આઠ પરફોર્મન્સ

વડોદરા18 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો તો પોતાનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ, તેની સાથે ગાંધીનગરથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ દ્વારા પણ એક જુદી-જદી ટીમ બનાવી ભાજપ અને ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ટીમ ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય સહિત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જાય છે અને ડાન્સ પર્ફોમન્સ દ્વારા મતદારનો રિઝવવામાં આવી રહ્યા છે.

યુવક-યુવતીઓની 9ની ટીમ
ગાંધીનગર સ્થિત કમલમથી મોકલવામાં આવેલી આ ટીમ વડોદરામાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરે છે. આ ટીમ ભાજપ અને નરેન્દ્ર મોદીની ગાથા વર્ણવતા ગીતો પર ડાન્સ કરે છે અને મતદારોને રિઝવી રહી છે. એટલે કે આ ટીમ કોઇ ઉમેદવાર માટે નહીં પણ મોદી અને ભાજપના નામે વોટ માંગી રહી છે. નરેન્દ્ર મોદી સીધી રીતે ભલે પ્રચારમાં ન આવી શકતા હોય પણ આવી યુવો ટીમો તેમના વતી પ્રચાર કરી રહી છે.

દરરોજ સાતથી આઠ પરફોર્મન્સ
આ ટીમ દરરોજ વડોદરાનાં સાતથી આઠ જગ્યાએ ડાન્સ પરફોર્મ કરે છે. આ ટીમમાં ટીમમાં રાજ્યમાંથી જુદાજુદા શહેરના સારા ડાન્સર્સને પસંદ કરી જોડવામાં આવ્યા છે. તેઓ ખાસ કરીને કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલ ગુજરાતીની બોલબાલા... સહિતના ગીત પર ડાન્સ કરે છે. તેમજ ભાજપના ઝંડાને હાથમાં લઇ તેને ફરકાવી સ્ટંટ કરી રહ્યા છે.

ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બન્યા
વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ હવે ફોર્મ ભરી તેઓ પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવારો પર શેરીઓ અને સોસાયટીઓમાં ફેરણી કરી રહ્યા છે.