બર્ડ ફ્લૂની તપાસ:બર્ડ ફ્લૂ નિયંત્રણ કરવા કેન્દ્રની ટીમ આવશે, વડોદરામાં 109 પક્ષીનાં મોત, ઠેર-ઠેર ચિકનની દુકાનો બંધ કરાવાઈ, સંક્રમિત પક્ષીઓના નિકાલની તૈયારી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ જગ્યાએ વિદેશી પક્ષીની હગારનાં સેમ્પલ લેવાયાં
  • મટન શોપ પણ બંધ કરવા પાલિકાએ સૂચના આપતાં વેપારીઓ અવઢવમાં મુકાયા હતા

ગુજરાતમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય ટીમ બર્ડ ફ્લૂને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી પર નજર રાખવા માટે ગુજરાત આવશે. કેન્દ્ર સરકારે રાજ્યમાં પૂરતી સંખ્યામાં પીપીઈ કિટ તથા સંક્રમિત પશુ-પક્ષીઓના નિકાલ માટે મોટે પાયે અભિયાન માટે પૂરતી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓ મળી આવ્યા હોય એવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. વલસાડમાં બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તાર ફળિયા વિસ્તારમાં ચિકનની દુકાનો બંધ કરવામાં આવી હતી તથા મટન શોપ પણ બંધ કરવા પાલિકાએ સૂચના આપતાં વેપારીઓ અવઢવમાં મુકાયા હતા.

વડોદરા જિલ્લામાં જુદા જુદા 4 બનાવમાં કુલ 109 પક્ષીનાં મોત
આ તરફ વડોદરામાં સોમવારે રાત્રે કરજણના અટાલી ગામે 22 કબૂતર ગામમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મંગળવારે સવારે આ ગામમાં પશુપાલન વિભાગની ટીમે જઇને તપાસ હાથ ધરીને 22 પૈકીના એક કબૂતરને ભોપાલની લેબમાં મોકલી આપ્યું હતું. 7મી જાન્યુઆરીથી વડોદરા જિલ્લામાં જુદા જુદા 4 બનાવમાં કુલ 109 પક્ષી મૃત હાલતમાં મળી આવ્યાં છે.

પ્રતિકાત્મક તસવીર: 7મી જાન્યુઆરીથી વડોદરા જિલ્લામાં જુદા જુદા 4 બનાવમાં કુલ 109 પક્ષી મૃત હાલતમાં મળી આવ્યાં.
પ્રતિકાત્મક તસવીર: 7મી જાન્યુઆરીથી વડોદરા જિલ્લામાં જુદા જુદા 4 બનાવમાં કુલ 109 પક્ષી મૃત હાલતમાં મળી આવ્યાં.

બર્ડ ફ્લૂ વિદેશથી આવતાં યાયાવર પક્ષીઓથી ફેલાય છે: પક્ષી-નિષ્ણાતો
સોમવારે જ્યાંથી મૃત કબૂતર મળી આવ્યાં એ અટાલી ગામ અગાઉ કરજણના જ કિયા ગામથી અટાલી માંડ 1.5 કિમી દૂર આવેલું છે. અટાલીના તળાવના કિનારેથી આ પક્ષીઓ મળી આવતાં અને અગાઉ કિયામાં પાણીની ટાંકી પરથી કબૂતરો મળી આવ્યાં હોવાની ઘટનામાં પાણી બંને ઘટનાઓમાં સામાન્ય વસ્તુ છે. જ્યારે પક્ષી-નિષ્ણાતો અગાઉ જ કહી ચૂક્યા છે કે બર્ડ ફ્લૂ વિદેશથી આવતાં યાયાવર પક્ષીઓથી ફેલાય છે. આ વિસ્તારમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત કોઇ પક્ષી કે પક્ષીઓ આવ્યા હોય અને તેમની હગાર આ પક્ષીઓમાં પાણી વાટે પ્રવેશી હોય એવી શક્યતા નકારી શકાય નહીં. હાલમાં કિયાનાં કબૂતરોના રિપોર્ટ પણ પેન્ડિંગ છે.

દેશમાં હજુ સુધી ક્યાંય બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણની ઘટના નોંધાઈ નથી
આગામી દિવસમાં ભોપાલથી રિપોર્ટ આવ્યા બાદ માંડ 1.5 કિમીના ઘેરાવામાં આવેલાં આ બંને ગામોમાં આ પક્ષીઓનાં મોત બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ સ્પષ્ટ થશે.ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ આ વિસ્તારમાં પાકો પર છંટાયેલી ઝેરી દવાની અસરની પણ શક્યતા આ પક્ષીઓનાં મૃત્યુ અંગે વ્યક્ત કરી ચૂક્યા છે. દેશમાં હજુ સુધી ક્યાંય બર્ડ ફ્લૂથી માનવ સંક્રમણની ઘટના નોંધાઈ નથી.

પ્રતિકાત્મક તસવીર: પશુપાલન વિભાગની ટીમે જઈને તપાસ હાથ ધરીને 22 પૈકીનું એક કબૂતર ભોપાલની લેબમાં મોકલી આપ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર: પશુપાલન વિભાગની ટીમે જઈને તપાસ હાથ ધરીને 22 પૈકીનું એક કબૂતર ભોપાલની લેબમાં મોકલી આપ્યું હતું.

સાવલીમાં રેપિડ એક્શન ટીમ ઉતારવામાં આવી
પાંચ દિવસ અગાઉ સાવલીના વસંતપુરા ગામે 30 કાગડાનાં મોત બાદ પશુપાલન વિભાગે જિલ્લા કલેકટરની સૂચનાથી રેપિડ એકશન ટીમો તૈયાર કરી હતી, જેમણે આખા ગામના પશુ-પક્ષીઓના આરોગ્યની તપાસ કરી હતી. આ તપાસમાં 3 ફાર્મ અને 157 જેટલા બેકયાર્ડ ફાર્મના 14 હજાર મરઘા, 31 ભેંસ અને 113 ઘેટા-બકરાનો સરવે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...