હુમલો:યાકુતપુરામાં જાહેર રોડ ઉપર માથાભારે એઝાઝે હુમલો કરતાં શિક્ષિકા લોહીલુહાણ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાહેરમાં દાદાગીરી કરનાર એઝાઝ બકરી બેં - Divya Bhaskar
જાહેરમાં દાદાગીરી કરનાર એઝાઝ બકરી બેં
  • બેફામ ઝડપે મોપેડ હંકારનારને શિક્ષિકાએ ટકોર કરતાં ઉશ્કેરાઈ માર માર્યો
  • પોલીસે પકડ્યા બાદ શિક્ષિકાના પગે પડી એઝાઝે 12 વાર કહ્યું, મને 2 લાફા મારો

સંવેદનશીલ યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર માથાભારે શખ્સ એઝાઝ દ્વારા મોપેડ લઈ પસાર થતી શિક્ષિકા પર હુમલો કરી માર મારતાં ભારે અફરા-તફરી મચી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાએ સિટી પોલીસ મથકે જઈ ફરિયાદ લખાવતાં ગણતરીના સમયમાં જ માથાભારે એઝાઝ શેખને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.દાંડિયાબજારમાં રહેતા અને વારસિયાની હરી સેવા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના શિક્ષિકા સોનિયાબેન રાજેશભાઈ પંજાબી શનિવારે બપોરે 12 વાગે શાળાની ફરજ પતાવી વારસિયાથી દાંડિયાબજાર તરફ મોપેડ લઈને આવી રહ્યાં હતાં.

દરમિયાન યાકુતપુરા નાકા પર પૂરઝડપે એક્ટિવા લઈને આવેલા એઝાઝે સોનિયાબેનના વાહનની લગોલગ પહોંચી જતાં તેમણે તેને ધીરેથી જોઈને ચલાવવાની ટકોર કરતાં એઝાઝ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે સોનિયાબેનને તમાચા મારી દીધા હતા. આટલેથી નહિ અટકેલા એઝાઝે નાક અને પેટ પર મુક્કા મારતાં સોનિયાબેન લોહીલુહાણ થઈ ગયાં હતાં.ઘટનાને પગલે યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. હુમલાખોર આ જ વિસ્તારમાં રહેતો હોવાથી સ્થાનિકોએ મહિલાના બચાવને બદલે તમાશો જોયો હોવાનું નજરે જોનારાનું માનવું છે.

સિટી પોલીસ મથકે ઇપીકો કલમ 323, 294, 506 મુજબ ગુનો નોંધી ઇજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર માટે ખસેડ્યાં હતાં. બીજી તરફ ગણતરીના સમયમાં જ હુમલાખોર એઝાઝને ઝડપી પડ્યો હતો. તપાસ દરમિયાન તે અગાઉ પણ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હોવા ઉપરાંત ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર મૂકી રોફ મારતો હોવાનું જણાયું છે.

રોફ ઊતર્યો / જાહેરમાં દાદાગીરી કરનાર એઝાઝ બકરી બેં
નેતા અને પોલીસ અધિકારી સાથેના ફોટા મૂકી રોફ પાડનાર એઝાઝને શનિવારે સિટી પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયાએ બકરી બેં કર્યો હતો. પોલીસ મથકે સર્વિસ કરતાં જ એઝાઝે મહિલાના પગમાં દંડવત કરી માફી માગી હતી. એક મિનિટમાં 12 વાર મને 2 લાફા મારો બોલ્યો હતો. જેટલો મારવો હોય એટલો મને મારો, તેવી સોનિયાબેનના પગમાં પડીને હાથ જોડી વિનવણી કરતો હતો.

આજે મેં નક્કી કર્યું હતું કે ગમે તેટલો માથાભારે હોય, સબક શીખવવો છે
યાકુતપુરામાંથી પસાર થતી વખતે હંમેશાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ હોય છે, દરેકને જવાની ઉતાવળ હોવાથી નજર અંદાજ કરે છે, જેના કારણે તેમની હિંમત વધી અને મારા પર હુમલો કર્યો. આજે મેં નક્કી કર્યું હતું કે ગમે તેટલો માથાભારે હોય મારે સબક શિખવાડવો જ છે. મારા સિંધી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં પોલીસ મથકે આવીને મારી પડખે ઊભા હતા અને ફરિયાદ કરવાની હિંમતને દાદ આપી હતી. ક્યાં સુધી આવાં તત્ત્વોની દાદાગીરી સહન કરીશું? (શિક્ષિકા સોનિયાબેન પંજાબી સાથેની વાતચીત અનુસાર)

જે પોલીસ સ્ટેશનમાં ACP સાથે ફોટા પડાવ્યા હતા ત્યાં હાથ જોડ્યા
એક સમયે સિટી પોલીસ મથકની ઉપર ઓફિસ ધરાવતા એસીપી પીઆર રાઠોડના ખાસ ગણાતા અને ખુદ એસીપીએ એઝાઝના ખભા પર મિત્ર હોય એવા ફોટા પડાવ્યા હતા. તે જ સિટી પોલીસ મથકમાં એઝાઝ કૂકડો બન્યો હતો અને મહિલાના પગમાં પડી માફી માટે કરગરતો હતો. નેતા અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મૂકી રોફ મારનાર એઝાઝની આજે હવા નીકળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...