વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં BEના લાસ્ટ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોહિત ધનંજય પાટીલ(ઉ.20)નું અકસ્માતમાં મોત થયું છે. વિદ્યાર્થી મકરપુરાથી ફતેગંજ તેના મિત્રના ઘરે સ્કૂટર પર જવા નીકળ્યો હતો. તે સમયે ગાડી સાથે અકસ્માત થયો હતો. મૃતક વિદ્યાર્થીના મામા ક્રિષ્ણા મોરેએ જણાવ્યું હતું કે, બીજા વિદ્યાર્થીઓને એક મેસેજ આપવા માગું છું કે કદાચ મોહિતે હેલ્મેટ પહેર્યું હોત તો આજે અમારી વચ્ચે હોત.
પુનિયાદમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો
વડોદરાના શિનોર તાલુકાના પુનિયાદ ગામમાં 16 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાતનું કારણ અકબંધ રહ્યું છે. શિનોર તાલુકાના પુનિયાદ ગામમાં શ્રી પ્રભાત આદિવાસી કુમાર છાત્રાલયમાં રહીને ડો.શરદભાઈ વિદ્યામંદિર શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંધીયા ગામનો વતની હતો. એક ખેડૂતે કિશોરેને આંબાના વૃક્ષની ડાળીએ નાયલોન દોરી વળે લટકેલી હાલતમાં જોતા ગામ લોકોને જાણ કરી હતી. ગામ લોકોએ શિનોર પોલીસને જાણ કરી હતી. શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર પુનિયાદ પહોંચ્યો
છોટાઉદેપુરના સાંધીયા ગામમાંથી મૃતક બાળકના પિતા સાથે પરિવારજનો શિનોરના યુનિયાદ ગામે પહોંચ્યા હતા. 16 વર્ષીય કિશોરના પિતા બનાવ સ્થળે આવી પહોંચીને મૃતક દીકરાને ભેટી પડ્યા હતા. શિનોર પોલીસે કિશોરનો પરિવાર આવ્યા બાદ આંબાના વૃક્ષ પરથી કિશોરની લાશ નીચે ઉતારી હતી અને શિનોર પોલીસે મૃતદેહને મોટાફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો.
પિતાની ગઈકાલે પુત્ર સાથે વાત થઈ હતી
કિશોરની તેના પિતા સાથે ગઈકાલે મોબાઈલ ફોન પર વાત થઈ હતી. છાત્રાલયના ગૃહપતિએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે રીસેસ બાદ કિશોર ઘરે નીકળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.