ઘર વિહોણા લોકોને પોતાનું સુવિધાજનક ઘર મળે એવા શુભ આશય અને સૌ ને માટે ઘરની ભાવનાને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અમલમાં મૂકી છે. વડાપ્રધાનની આ ભાવનાથી પ્રેરિત થઈને એમ.એસ. યુનિવર્સીટીના સંશોધક વિદ્યાર્થિની અનીશા શેખે, તેમના રિસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઇ જવાય તેવા પોર્ટેબલ અને મુવેબલ આવાસોની ડીઝાઈન બનાવી છે.
આ પોર્ટેબલ આવાસો શ્રમિક મજૂરો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે
શહેરોની બાંધકામ સાઈટ્સ, કારખાના, રસ્તા, પુલો અને અન્ય બાંધકામોના સ્થળો પર મોટી સંખ્યામાં હીજરતી મજૂરો કામચલાઉ આવાસ બનાવીને રહેતા હોય છે. તેમના માટે આ ડીઝાઈન સારા પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય તેવા આવાસ બનાવવામાં ઉપયોગી થઇ પડે તેવી સંભાવના છે. અનીશાએ અનુસ્નાતક શિક્ષણના ભાગરૂપે ડો. રીના ભાટિયા અને ડો. સુકૃતિ પટેલના માર્ગદર્શન હેઠળ આ સુવિધાજનક હાઉસિંગ મોડેલ તૈયાર કર્યા છે. તેના નિર્માણ માટે જરૂરી ભંડોળ સેવા સંસ્થા દીપક ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. યુઝર ફ્રેન્ડલી અને પોષાય તેવી સામગ્રીમાં થી હિજરાતી લોકોને કામચલાઉ પણ સુવિધાજનક આવાસો આપી શકાય એ રીતે આ મોડેલ વિકસાવવામાં આવ્યા છે તેવો પ્રતિભાવ ગાઈડ ડો. રીના ભાટિયાએ આપ્યો હતો.
અનીશા શેખ એમ.એસ. યુનિવર્સીટીમાં કલોથીંગ એન્ડ ટેક્સટાઇલ્સ વિભાગમાં અભ્યાસ કરે છે.
અનિશાએ તેના માટે લોકો બહુધા કંઈ ખુલ્લી જગ્યાઓએ કામચલાઉ અને સુવિધા વગરના કાચા-પાકા આવાસો બનાવીને રહે છે તેની આંકડાકીય વિગતો મેળવી હતી. અને એવી પાંચ જગ્યાઓએ બનાવી શકાય એવા પોર્ટેબલ અને મૂવેબલ આવાસોની ડીઝાઈન પોતાના અનુસ્નાતક શિક્ષણના ભાગરૂપે બનાવી છે. આ વિદ્યાર્થિની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના કલોથીંગ એન્ડ ટેક્સટાઇલ્સ ( વસ્ત્રો અને વસ્ત્ર સામગ્રી) વિભાગમાં અભ્યાસ કરે છે.
વોટર પ્રૂફ આવાસોમાં છત્રીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે
સ્થળની અનુકૂળતા અનુસાર તાડપત્રી, વોટરપ્રૂફ પોલીયુરેથીન, બારીઓ મૂકવા માટે પ્લાસ્ટિક અને પોલિએસ્ટર નેટ, હળવા વજનનું અને વોટરપ્રૂફ છત્રીનું કાપડ, ફ્લેક્ષ, રસોડા માટે અગ્નિ પ્રતિરોધક સામગ્રી ઇત્યાદિના ઉપયોગથી આ ડીઝાઇનો બનાવવામાં આવી છે અને જે તે સ્થળ ઉપલબ્ધ જગ્યા અનુસાર સેનીટેશન, હવાની અવર જવર, સારો દેખાવ અને અન્ય ઘરેલુ સુવિધાઓની તેમાં જોગવાઈ રાખવામાં આવી છે. ખર્ચ શક્ય તેટલો ઓછો રહે તેની કાળજી લેવામાં આવી છે. વિવિધ વાતાવરણીય પરિસ્થિતિઓ હેઠળ તેના ટકાઉપણાની કસોટી અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.