તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણવા બાબતે ઠપકો આપતાં ઘર છોડી દીધું:ધોરણ 12ના વિદ્યાર્થીએ મોજશોખ માટે ઘર છોડ્યું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે ભણવા અંગેે ઠપકો આપતાં સુરત જતો રહ્યો
  • સુરતમાં રહીને નોકરી કરતો હતો, પોલીસે શોધ્યો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 17 વર્ષના સગીરને પરિવારે ભણવા બાબતે ઠપકો આપતાં મોજશોખ કરવા માટે સગીરે ઘર છોડી દીધું હતું અને સુરત જઇ ને નોકરી કરવા લાગ્યો હતો. પીસીબી પોલીસને કીશોર વિશે જાણ થતાં પોલીસે સુરત જઇને કિશોરનો કબજો મેળવ્યો હતો અને પરિવારને જાણ કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 12માં ધોરણના 17 વર્ષના સગીરને પરિવારે ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જો કે સગીરને ભણવા સાથે મોજશોખ ભર્યું જીવન જીવવાનો શોખ હોવાથી તેને લાગી આવ્યું હતું અને ઘર છોડીને નિકળી ગયો હતો.

તે ગત 8 એપ્રીલે ઘેરથી ટયુશન જવાના બહાને ટયુશન બેગ લઇને નિકળ્યો હતો અને જતો રહ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં અને વિવિધ લોકોની પુછપરછ કરાઈ હતી પણ સગીરનો કોઈ પતો મળતો ન હતા. દરમિયાન પોલીસે તપાસને ગહન બનાવવા માટે બાતમીદારોને પણ કામે લગાડયા હતા.

જો કે પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમને જાણ થઇ હતી કે આ કિશોર સુરતમાં રહે છે, જેથી પોલીસની ટીમ સુરત પહોંચી હતી અને બાતમી મુજબના સ્થળે જઇ ત્યાં રૂમ ભાડે રાખીને રહેતા કિશોરનો કબજો મેળવ્યો હતો અને વડોદરા આવી ગોરવા પોલીસને સુપરત કર્યો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સગીર સુરત જઇને નોકરી કરવા લાગ્યો હતો અને પોતાનો ખર્ચો પુરો કરતો હતો.

પોતે એમપીમાં હોવાનું ફોન કરી જણાવતો હતો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સગીર પોતે સુરતમાં રહેતો હોવા છતાં તે પરિવારને જયારે પણ ફોન કરતો ત્યારે પોતે એમપી હોવાનું અને સલામત હોવાનું જણાવતો હતો. પોતે કયાં છે તે છુપાવીને ફોન કરતો હતો. જો કે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સથી જાણકારી મેળવી હતી કે તે સુરતમાં રોકાયો છે જેથી પોલીસ સુરત પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...