બોર્ડ પરીક્ષાના સ્થળ સંચાલકો સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેઠક મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઇ પણ વિદ્યાર્થી સાહિત્ય સાથે પકડાય તેવા કિસ્સામાં કોપી કેસ કરીને પણ વિદ્યાર્થીને પેપર લખવા દેવા માટે સૂચના આપવામાં આવી છે.
બોર્ડની 14 માર્ચથી શરૂ થનાર ધોરણ 10-12ની પરીક્ષાની તૈયારીઓને લઇને જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસની અધ્યક્ષતામાં સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. શહેરની ખાનગી સ્કૂલમાં મળેલી બેઠકમાં 250 કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સ્થળ સંચાલકોને વિવિધ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી સાહિત્ય કે કાપલી સાથે પકડાય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીનું પેપર લઇ લેવાનું નહિ પણ તેની સામે કોપી કેસ નોંધીને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કરીને તેને પેપર પૂરું કરવા દેવાની સૂચના અપાઇ હતી.
આ ઉપરાંત પરીક્ષા સમયે કોઇ પણ ઘટના બને તેવા કિસ્સામાં સીધો ડીઇઓ કચેરીનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે. કોઇ વિદ્યાર્થીને તકલીફ હોય કે સમસ્યા થાય તેવા કિસ્સામાં પણ જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીનું ધ્યાન દોરવા માટે જણાવવામાં આવ્યું છે.
પરીક્ષા સમય દરમિયાન શાળાના કેમ્પસની બહાર વાલીઓના ટોળા એકત્રિત ન થાય તે માટે અગાઉથી મુખ્ય દરવાજે સૂચના લખવાની રહેશે. પરીક્ષા સ્થળે બેઠક વ્યવસ્થા બ્લોકખંડમાં સર્પાકાર રીતે કરવાની રહેશે. રોજેરોજ પરીક્ષા સ્થળે બ્લોકવાર જે તે સુપરવાઇઝરો ફરજો બજાવે તેની વિગત નિયત પત્રકમાં ઝોનલ કચેરીએ મોકલવાની રહેશે. પરીક્ષા સ્થળે કેન્દ્ર સંચાલક, ઝોનલ પ્રતિનિધિ સિવાય કોઇ પણ મોબાઇલ રાખી શકાશે નહિ.
વિદ્યાર્થીને વર્ગખંડમાં પાણી નહીં અપાય
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પાણી આપવા માટે કોઇ કર્મચારી ચાલુ પરીક્ષા દરમિયાન પ્રવેશી શકશે નહિ. વિદ્યાર્થીઓ પાણી પીવા માટે જાતે વર્ગખંડની બહાર નીકળવું પડશે. પરીક્ષાના દિવસો દરમિયાન રોજેરોજ શાળા કમ્પાઉન્ડ વર્ગખંડો સેનિટેશન બ્લોકની સફાઇ થાય તે જોવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.