વડોદરામાં વર્ષોથી હરીસેવા ટ્રસ્ટ સંલગ્ન રમણ મહર્ષી રાહત અન્ન વસ્ત્ર ક્ષેત્ર દ્વારા મૃત્યુ બાદનો નિઃશુલ્ક આખરી સામાન આપવાનું કામ કરી રહ્યું છે. હવે ટ્રસ્ટ દ્વારા વડોદરા નજીક આવેલા પાંજરાપોળમાં રહેતી ગાયોને રોજ 5 હજાર ઘી-ગોળવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત કરી છે. નોંધનીય છે કે, અન્નક્ષેત્રો અન હોટલ્સમાં રોટલીઓ બનાવવાના મશીન રાખવામાં આવે છે. પરંતુ, આ સંસ્થા દ્વારા માત્ર ગાયોને પોષણયુક્ત રોટલી ખવડાવવા માટે રોટલી બનાવવાનું મશીન વસાવ્યું છે. આ સેવા ગુજરાતમાં તો ઠીક ભારતમાં પ્રથમ આ સેવા હશે.
ટ્રસ્ટ દ્વારા આખરી સામાન અને એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા
ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટ દ્વારા વર્ષ-2003થી મૃત્યુ પછીનો આખરી સામાન વિનામૂલ્યે આપવાની સેવા શરૂ કરવામાં આવી હતી. સમય જતાં આખરી સામાનની સાથોસાથ શબવાહિનીની પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાની સાથો સાથ હવે ગૌ માતાઓને ઘી, ગોળ અને સિંધવ મીઠુંવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની સેવા શરૂ કરવામાં આવી છે. રોટલી બનાવવા માટે એક કલાકમાં 1500 રોટલી બને તેવું મશીન વસાવવામાં આવ્યું છે. તે સાથે રોટલીઓ પાંજરાપોળ સુધી પહોંચાડવા માટે એક વાન પણ વસાવવામાં આવી છે. આ સેવા 1 જુલાઇ-2022 અષાઢી બીજના દિવસથી શરૂ કરવામાં આવી છે.
પાંજરાપોળમાં ગાયોને રોટલી ખવડાવવામાં આવે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાયોને પોષણ યુક્ત રોટલીઓ ખવડાવવાની શરૂઆત વડોદરા નજીક આવેલા દરજીપુરામાં અને સયાજીપુરા પાંજરાપોળમાં રહેતી ગાયોથી ગાયોથી કરવામાં આવી છે. દરજીપુરામાં 500 ગાયો અને સયાજીપુરા પાંજરાપોળ 400 ગાયો છે. રોજ સવારે તાજી રોટલીઓ બનાવનીને ગાયોને ખવડાવવામાં આવે છે. રોજની 5000 ઉપરાંત રોટલીઓ બનાવવામાં આવે છે. શનિવારે ઘીના મોયણથી બનાવેલી રોટલી ખવડાવવામાં આવે છે. જ્યારે બાકીના દિવસોમાં તેલના મોયણથી બનાવેલી રોટલી ખવડાવવામાં આવે છે. રોટલીનો લોટ ગોળનું પાણી અને સિંધવ મીઠાનું પાણી નાખીને તૈયાર કરવામાં આવે છે. જેથી ગાયોને પોષક તત્વો મળી રહે.
ગૌ માતાને રોટલી ખવડાવવાનું મહત્વ સમજાયા બાદ સેવા શરૂ કરી
આ વિચાર કેવી રીતે આવ્યો ? તેવા એક પ્રશ્નના જવાબમાં મહેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, નવરાશની પડોમાં બે વાક્ય વાંચવામાં આવી ગયા હતા. જેમાં એક વાક્ય તમારા હાથની લકીરો બદલવી હોય તો ગાયને રોટલી ખવડાવો અને બીજુ વાક્ય જ્યાં સુધી પૃથ્વીનું અસ્તીત્વ રહેશે, ત્યાં સુધી ગાયો જોવા મળશે. હજુ પણ જુનવાણી વિચારો ધરાવતા ઘરોમાં ગૃહિણીઓ ઘરમાં ચુલો અથવા ગેસ ઉપર રસોઇ કર્યાં બાદ ચુલો અથવા ગેસની પૂજા કરે છે. તે બાદ જમતા પહેલાં જે રસોઇ બનાવી હોય તેમાંથી ગાય અને કૂતરાનો ભાગ કાઢે છે અને પછી જમવાની શરૂઆત કરે છે. જોકે, સમય જતાં અનેક ઘરોમાં આ સંસ્કૃતિ ભૂલાઇ રહી છે, ત્યારે આ સંસ્કૃતિ જળવાઇ રહે અને ગાયોને રોજ રોટલી મળી રહે તેવા આશય સાથે ગાયોને રોટલી ખવડાવવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી જે સેવાભાવી લોકોને અમારી સંસ્થાની પ્રવૃત્તિની જાણ થઇ છે, તે લોકો પોતાના તરફથી ગાયોને રોટલી ખવડાવવા માટે લોટ, ગોળ, ઘી, તેલ અને સિંધવ મીઠાનું દાન આપી રહ્યા છે.
તમામ પાંજરાપોળમાં ગાયોને રોટલી ખવડાવવાનું આયોજન
આવનારા દિવસોમાં અમારું લક્ષ્ય વડોદરા જિલ્લામાં આવેલા તમામ પાંજરાપોળમાં રહેતી ગાયોને રોટલી ખવડાવવાનું આયોજન છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વર્ષો પૂર્વે અમારી સંસ્થામાં પ્રતિદિન 300 જેટલા લોકો જમતા હતા. પરંતુ, સમયજતાં આ સેવા બંધ થઇ ગઇ છે. પરંતુ, અમારી આ સંસ્થા દ્વારા હવે પાંજરાપોળમાં રહેતી ગાયોને રોજ રોટલી ખવડાવવાની શરૂઆત કરી છે. અમારા ટ્રસ્ટમાં હાર્દિકભાઇ ઠક્કર, સંજયભાઇ પટેલ, પ્રહલાદભાઇ પટેલ અને રાજેશભાઇ શાહ સક્રિય સેવા આપી રહ્યા છે. અમારું ટ્રસ્ટી મંડળ પણ વધુમાં વધુ ગાયોને પોષણ યુક્ત રોટલીઓ ખોરાકમાં આપી શકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.