ધરપકડ:રૂ1.97 લાખના એમડી ડ્રગ્સ સાથે સમાનો યુવક ઝડપાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમા અયપ્પા મંદિર પાસે ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો

વડોદરા નશીલા કારોબારનું હબ બની રહ્યું છે. 20 દિવસ અગાઉ ગોત્રી મધર્સ સ્કૂલ પાસેથી પેન્ટાઝોસિન ઇન્જેક્શન પકડાયાં હતાં, જેમાં 2ની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ એમડી ડ્રગ્સ સાથે સમાનો યુવક ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમા અયપ્પા મંદિર નજીક એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકને ઝડપી રૂ. 1.97 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે વિરલ ઉર્ફે બીલ્લો પ્રજાપતિ સ્કૂટરમાં મેફાડ્રોન ડ્રગ્સના જથ્થાનું સમામાં છૂટકમાં વેચાણ કરે છે અને તે સમા જલારામ મંદિર પાસે અયપ્પા મંદિર નજીક રોડ પર ડિલિવરી આપવા આવનાર છે.

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન સ્કૂટર પર આવેલા યુવકને કોર્ડન કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે અભિલાષા ચાર રસ્તા વિદ્યાધામ સોસાયટીમાં રહેતો વિરલ ઉર્ફે બીલ્લો નાગર પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું. તેની સઘન પૂછપરછ કરતાં તે એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે અને તે ડિલિવરી કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેના સ્કૂટરની તલાશી લેતા પર્સમાંથી સફેદ ડ્રગ્સ પાઉડર ભરેલી 3 થેલી મળી હતી, જેનું વજન કરતા તે 19.7 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નાર્કોટિક્સના ગુના હેઠળ તેની અટકાયત કરી રૂ. 1.97 લાખની કિંમતનો 19.7 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે લીધો હતો. તદુપરાંત સ્કૂટર અને મોબાઈલ જપ્ત કરી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ કરતાં સુરત રેલવે સ્ટેશન નજીક ગોપી તળાવ પાસે રહેતા સલીમ અબ્દુલ વ્હોરા પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...