વડોદરાના વાઘોડિયા નજીક ગોરજ ખાતે આવેલા મુનિસેવા આશ્રમ સ્થિત કેન્સર હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસર સામે રૂપિયા 3,58,600ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ આપી સિક્યોરિટી ઓફિસર તરીકે નોકરી લાગનાર ભેજાબાજે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ પાસેથી રૂપિયા 8.33 લાખ દાન પેટેની રકમ લીધી હતી અને તે પૈકી રૂપિયા 3,58,600 દર્દીઓને પરત ન કરી દર્દીઓને ધમકી આપી હતી. વાઘોડિયા પોલીસ મથકમાં દર્દીઓએ ફરિયાદ નોધાવતા પોલીસે સિક્યોરિટી ઓફિસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ
વાઘોડિયા પોલીસ મથકમાં 25 વર્ષિય હર્ષ સત્યનારાયણ રાવે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મૂળ કર્ણાટકાનો વતની છું અને હાલ તેઓ ગોત્રી રોડ, રાજેશ ટાવર પાસે આવેલ બી-1-44, સોમદત્ત પાર્કમાં પરિવાર સાથે રહું છું. વાઘોડિયા નજીક આવેલ ગોરજ ખાતે મુનિ સેવા આશ્રમ અને કેન્સર હોસ્પિટલમાં આદિત્ય અજીતકુમાર ઝા સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
રોકડ, ચેક તથા ઓનલાઇન લકમ લીધી
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર-નવેમ્બર-2021માં તનિષ્કા અને નમનદીપની સારવાર માટે ગોરજ મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલમાં આવ્યા હતા. તે સમયે સિક્યુરીટી ઓફિસર આદિત્ય ઝાએ અમોને પોતે નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ આપી હતી. અને અમારા દર્દીઓની સારવાર માટે દાન માટે અમારી સંસ્થાના સભ્યો તેમજ સ્પ્રેડ હેપ્પીનેસ સંસ્થા તથા ખ્યાતીબહેન અને તેમના પરિવારજનો પાસેથી દર્દીઓની સારવાર માટે દાન પેટે રૂપિયા 8,83,600 રોકડ, ચેક તથા ઓનલાઇન નાણાં પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં લીધા હતા.
બોગસ દસ્તાવેજો રજૂ કરી નોકરી મેળવી
દરમિયાન સિક્યુરીટી ઓફિસર આદિત્ય ઝાએ ખ્યાતીબહેન તથા સંસ્થાના સભ્યોને દાનની લીધાની પહોંચ પણ આપી ન હતી. તે સાથે રૂપિયા 3,58,600 પરત કર્યા ન હતા. ખ્યાતીબહેન અને સંસ્થાના સભ્યો નાણાં પરત લેવા તેમજ દાનની પહોંચ લેવા ગયા ત્યારે સિક્યોરિટી ઓફિસર આદિત્ય ઝાએ ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ધમકી આપી હતી. એક વર્ષ પૂર્વે બનેલી આ ઘટનાની નોંધાયેલી ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, આદિત્ય અજીતકુમાર ઝા પોતે નિવૃત્ત કર્નલ ન હોવા છતાં, તેઓએ નિવૃત્ત કર્નલ તરીકે ઓળખ આપી હતી. એ તો ઠીક તેઓએ નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ તેમજ બોગસ સર્ટી રજૂ કરીન ગોરજ મુનિ સેવા આશ્રમ અને કેન્સર હોસ્પિટલમાં નોકરી પણ મેળવી હતી.
આરોપીના રિમાન્ડ લેવાશે
વાઘોડિયા પોલીસે હર્ષ રાવની ફરિયાદના આધારે સિક્યોરિટી ઓફિસર આદિત્ય ઝા સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેઓની અટકાયત કરી છે. પોલીસે તેઓની ધરપકડ કરવા માટે તેને કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તેઓની ધરપકડ કરશે. આરોપીએ અગાઉ કોઇ દર્દીઓ પાસેથી દાનના નામે નાણાં પડાવ્યા છે કે કેમ તે જાણવા માટે રિમાન્ડની કાર્યવાહી કરશે. નિવૃત્ત કર્નલ તરીકેની ઓળખ આપી દર્દીઓના પરિવારજનો અને સામાજિક સંસ્થાઓ પાસેથી નાણાં પડાવનાર ભેજાબાજ આદિત્ય ઝાની તપાસમાં અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.