મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને શિક્ષકો સહિતની દરેક માહિતી એક ક્લિક પર મળી જશે. 11 મેએ નેશનલ ટેક્નોલોજી ડે પૂર્વે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના 3 વિદ્યાર્થીએ ‘અ બર્ડ આઈ વ્યૂ : એનાલિટિક્સ ઓફ એમએસયુઆઈએસ’ પ્રોજેક્ટ બનાવ્યો છે. જે 3 દિવસમાં યુનિ.ના પોર્ટલ પર લોન્ચ કરાશે.
ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ હેલી શાહ, જુગલ પટેલ અને એરિશ રાઠવા દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેમાં પ્રોફેસર ડો.વિરલ કાપડિયા, ભાવિતા સોની, ભૂષણ પેન્ડસે, હર્ષ મિસ્ત્રી, જય શાહ અને પાર્થ ગોસ્વામીએ સહયોગ આપ્યો હતો. બર્ડ આઈ વ્યૂ પ્રોજેક્ટ માટે એમએસયુઆઈએસનું ડેટા એનાલિટિક્સ કરાયું છે. જેના દ્વારા યુનિવર્સિટીના પોર્ટલ પર એક જ ક્લિકમાં વિદ્યાર્થી, શિક્ષક, ઈન્સ્ટિટ્યૂટ, પ્રોગ્રામ, કોર્સ, વિદ્યાર્થીઓની સિદ્ધિ દરેક બાબત ડેસ્ક બોર્ડ પર જોઈ શકાશે.
તેમજ વાઈસ ચાન્સેલર, ફેકલ્ટી ડીન, પ્રોફેસર, યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીની અલગથી માહિતી પણ જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં ડેટા એકઠા કરવા મશીન લર્નિંગ અને એઆઈ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વિદ્યાર્થીઓને ડેટા એકઠા કરવામાં 7 મહિના લાગ્યા હતા, જે યુનિ.ની ઈન્ટિગ્રેટ સિસ્ટમ પરથી લેવાયો છે. વિદ્યાર્થીઓને લગતા વિકલ્પોમાં એપ્લિકેશન, એડમિશન, પ્રિ-એક્ઝામિનેશન, એક્ઝામિનેશન અને એકેડમિકને લગતી દરેક માહિતી હશે.
એપ્લિકેશન સ્ટેટેસ્ટિક્સમાં વિદ્યાર્થીઓની અરજી, ફી, રદ થયેલ અરજીની માહિતી જોવા મળશે. વીસી, ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર્સને તેમની લાયકાત પ્રમાણે કોઈપણ પ્રકારની માહિતી જોવાની પરવાનગી અપાઈ છે. વિદ્યાર્થીને પરીક્ષાને લગતી માહિતી અંતર્ગત નોટિફિકેશન પણ અપાશે. જેમ કે કોઈ વિદ્યાર્થીનું પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી ગઈ હોય તો સિસ્ટમ એનાલિટિક્સ કરીને તેને મેસેજ પહોંચાડશે.
અત્યાર સુધી યુનિવર્સિટીની માહિતી મેળવવા 4 દિવસ લાગતા
કમ્પ્યૂટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.વિરલ કાપડિયાએ જણાવ્યું કે, યુનિવર્સિટીની માહિતી મેળવવી હોય તો 3થી 4 દિવસ લાગતા હતા. ડેટા શોધવો અને એનાલિટિક્સ કરવું મહત્ત્વનું છે, જે કામ વિદ્યાર્થીઓએ કર્યું છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપના ભાગરૂપે કર્યો છે. જેનો હેતુ એડમિનિસ્ટ્રેટિવની નિર્ણય ક્ષમતા સહેલી બને તેવો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.