શહેરીજનોને ભેટ:સૌથી લાંબા બ્રિજના ઉદ્ધાટન પહેલાં જ ઉઘરાણાંનો તખ્તો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેંડા સર્કલ બ્રિજ 20મી સુધી તૈયાર થશે, બ્રિજ નીચે પે એન્ડ પાર્કનો ઈજારો અપાશે
  • પાલિકાએ ઇજારા માટે 6.51 લાખ અપસેટ વેલ્યૂ, 13.03 લાખ ડિપોઝિટ નક્કી કરી

છેલ્લાં 5 વર્ષથી નિર્માણ પામી રહેલો શહેરનો સૌથી લાંબો ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો બ્રિજ આગામી 20મી તારીખે તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં જ તેનું લોકાર્પણ કરાશે. બીજી તરફ વડોદરાની પ્રજાએ આપેલા ખોબેખોબા મત માટે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ પ્રજાને નવા બનેલા બ્રિજ નીચે નાણાં ખર્ચી પાર્કિંગ કરવાની ‘ભેટ’ આપી છે. હજી ગેંડા સર્કલ-મનીષા સર્કલ સુધીના બ્રિજનું કામ અધૂરું છે ત્યાં તો તેની નીચે પે એન્ડ પાર્કિંગ માટે પાલિકાએ ઇજારો આપવાનું નક્કી કર્યું છે.

શહેરમાં 2017માં ગેંડા સર્કલથી મનીષા ચોકડી તરફના બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી, જે 5 વર્ષ બાદ આખરે તૈયાર થઈ રહ્યો છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. 20 ડિસેમ્બર સુધી બ્રિજ તૈયાર થઈ જશે અને ગણતરીના દિવસોમાં લોકાર્પણ કરાશે. સ્થાનિક સમસ્યાઓ અને ધારાસભ્યો સામે નારાજગી છતાં પ્રજાએ ભાજપને ખોબે ખોબા મત આપ્યા છે.

બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે
લોકોએ 5 ઉમેદવારોને જંગી લીડથી જીતાડ્યા છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ભાજપ શાસિત પાલિકાએ શહેરીજનોને ‘ભેટ’ આપી છે. જેમાં બ્રિજ નીચે પાર્કિંગ માટે ઇજારો આપવાનું નક્કી કર્યું છે. બ્રિજનું લોકાર્પણ 25મી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે. પાલિકાએ બ્રિજ નીચે વાહન મૂકનારા નાગરિકો પાસેથી પાર્કિંગનાં નાણાં ઉઘરાવવા ઇજારો આપવાની છે. પાલિકાની જાહેરાતમાં 1 વર્ષ માટે પે એન્ડ પાર્કિંગનો ઇજારો આપવાની હરાજીનું આયોજન કર્યું છે. જેમાં 6.51 લાખની અપસેટ વેલ્યુ અને 13.03 લાખ ડિપોઝિટ રખાઈ છે. બ્રિજ શરૂ થતાં પાર્કિંગ માટે નાગરિકોને નાણાં ચૂકવવાં પડશે.

ફ્લાયઓવર પર હજી કઈ કઈ કામગીરી બાકી રહી છે ?

  • નવીન બ્રિજના અપ અને ડાઉન (બ્રિજ ચઢવા અને ઊતરવા) પર રોડ બનાવવાનો બાકી છે.
  • મનીષા ચોકડી અને ગેંડા સર્કલ પર પેચવર્કની કામગીરી ચાલુ છે.
  • ગેંડા સર્કલ તરફ સ્ટ્રીટ લાઇટ નાખવાના થાંભલા લગાવવા અને અનેક જગ્યાએ વચ્ચે ડિવાઈડર બાકી છે.
  • બે સ્પાન વચ્ચેના પોર્શનને સિમેન્ટ કોન્ક્રીટથી જોડવામાં આવી રહ્યા છે.
  • એક તરફના બ્રિજનું પ્લાન્ટેશન બાકી છે.
  • બ્રિજ ઉપર અને નીચે રંગરોગાન બાકી છે.

230 કરોડમાંથી સરકારે માત્ર 76 કરોડ આપ્યા
બ્રિજ માટે સરકારે નાણાં આપવાની જાહેરાત કરી હતી. 230 કરોડના બ્રિજ માટે સરકારમાંથી માત્ર 76 કરોડ મળ્યા. જે બાદ સરકારે હાથ ઊંચા કરતાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ખર્ચ ચૂકવાતો હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...