ક્રાઈમ:મુંબઇથી લક્ઝરી બસમાં આવેલા દારૂના પાર્સલને કારમાં લઇ જતો શખ્સ ઝડપાયો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુજમહુડા સર્કલ પાસે કારમાં પાર્સલની આડમાં દારૂની હેરફેર પકડાઇ
  • ​​​​​​​મુંબઇના ​​​​​​​મુકેશે પાર્સલ પંડ્યા બ્રિજ પાસેની શ્રીનાથજી ટ્રાવેલ્સમાં મોકલ્યું હતું

મુંબઇથી વડોદરા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં આવેલા દારૂનો જથ્થો સ્વિફ્ટ કારમાં પાર્સલની આડમાં લઇ જવાતો હતો. પોલીસે દારૂ સાથે એકની ધરપકડ કરાઈ હતી. દારૂનો આ જથ્થો મુંબઇના શખ્સે પાદરાના અશ્વિનને મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન.પટેલ અને સ્ટાફને બાતમી મળી હતી કે, મુજમહુડા સર્કલથી સ્વિફટ કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે.

જેથી પીઆઈની સૂચના મુજબ બાતમી વાળી જગ્યા પર સ્ટાફના માણસો સાથે રોકડનાથ હનુમાન મંદિર પાસે રોડ પર વોચમાં હતા તે સમયે બાતમી મુજબની નંબર વાળી સ્વીફટ કાર આવતા તેને રોકી હતી. કારની પાછળના ભાગ પર બે પાર્સલ પડ્યા હતા. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની 30 નંગ બોટલો મળી હતી અને આ બોક્સ પાર્સલ મુંબઇ ખાતેથી મોકલવામાં આવ્યું હતું.

કાર ચલાવતાં અશ્વીન જનસારીની અંગઝડતી કરતા તેની પાસેથી 3 હજાર અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેણે કબૂલ્યું હતું કે ‘આ દારુનો જથ્થો મુંબઇ ખાતે રહેતા મુકેશ (મુંબઇ યુનિટ નં. 114 ગુરુગોવિંદસિંહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મુંબઇ ખાતે) એ મોબાઇલ ફોન મારફતે પાર્સલ પેક કરાવી મુંબઇથી શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફીસ ખાતેથી વડોદરા પંડયા બ્રીજ ખાતે શ્રીનાથજી ટ્રાવેલ્સની ઓફીસ ખાતે મોકલેલ હતો જે દારૂનો જથ્થો મે પંડ્યા બ્રિજ ખાતે આવેલી ટ્રાવેલ્સની ઓફીસથી મિત્રની સ્વીફટ ગાડીમાં લેવા માટે ગયો હતો તેમ જણાવ્યુ હતુ.

પોલીસે ઝડપાયેલ ઇસમ અશ્વીન ઉર્ફે ગંગી ચંદુલાલ જનસારી (રહે, પાદરા, ગાયજ)ને દારુનો જથ્થો અને કાર સાથે કુલ 3.32 લાખના મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યો હતો. મુંબઇ ખાતે રહેતા અને દારુનો જથ્થો મોકલનાર મુકેશ ને પણ ઝડપી પાડી આગળની તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...