વડોદરા શહેરમાં રખડતાં ઢોર અને કૂતરાઓનો ત્રાસ ઓછો થવાને બદલે પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વૃદ્ધા પર 8થી 10 જેટલા શેરી કૂતરાએ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી છે. હાથ-પગ અને છાતીના ભાગે કૂતરાએ બચકાં ભરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયાં હતાં. વૃદ્ધાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વૃદ્ધાએ જણાવ્યું હતું કે સ્થાનિક યુવાન સમયસર આવ્યો ન હોત તો મને કૂતરાઓએ મારી નાખી હોત.
વૃદ્ધા લોહીથી લથપથ થઈ ગયાં
મળેલી માહિતી મુજબ, નિઝામપુરા વિસ્તારમાં આવેલી અમર પાર્ક સોસાયટીમાં રહેતાં અલકાબેન ભટ્ટ (ઉં. 65) અમદાવાદમાં ચાલી રહેલા સ્વામિનારાયણના કાર્યક્રમમાં ગયાં હતાં. તેઓ કાર્યક્રમ પતાવી રાત્રે વડોદરા પરત ફર્યા હતાં અને તેઓ ડિલક્સ ચાર રસ્તાથી અમર પાર્કમાં જઇ રહ્યાં હતાં ત્યારે ફર્ટિલાઇઝર પાર્કથી લઇને નટરાજ સોસાયટીની વચ્ચે આવતા ગાર્ડન પાસે 8થી 10 શેરી જેટલાંરાંં કૂત ફરી વળ્યાં હતાં અને જીવલેણ બચકાં ભરતાં લોહીલુહાણ થઇ ગયાં હતાં.
કૂતરાઓએ અસંખ્ય બચકાં ભર્યા
8થી 10 કૂતરાઓનું ટોળું વૃદ્ધા અલકાબેન ભટ્ટને ફરી વળતાં સ્થાનિક ચિરાગભાઇ ઠક્કર સહિત અન્ય લોકો બચાવ માટે દોડી ગયા હતા અને તેમને છોડાવ્યાં હતાં. જોકે તેમને મુક્ત કરાવે એ પહેલાં કૂતરાના ટોળાએ હાથ, પગ તેમજ છાતીના ભાગે અનેક બચકાં ભરી ગંભીર ઇજા પહોંચાડી હતી. સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્ત વૃદ્ધા અલકાબહેન ભટ્ટને 108 મારફત હોસ્પિટલ રવાના કર્યાં હતાં. હાલત ગંભીર હોવાને કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
કૂતરાઓને જોઈ હવે ડર લાગે છે
કૂતરાના હુમલાનો ભોગ બનેલાં અલકાબહેન ભટ્ટે જણાવ્યું હતું કે સોસાયટી વિસ્તારમાં કૂતરાઓનો બહુ ત્રાસ છે. નટરાજ સોસાયટી પાસે ફરી વળેલા કૂતરાથી બચવા માટે પ્રયાસો કર્યા હતા. તેમણે કૂતરાઓથી બચવા માટે બુમરાણ મચાવી મૂકી હતી. ચારેકોરથી કૂતરાઓ ફરી વળતાં ગભરાઇ ગઇ હતી. આ સમયે સ્થાનિક ચિરાગભાઇ ઠક્કર સહિત અન્ય લોકો દોડી આવ્યા ન હોત તો હું આજે જીવિતી ન હોત. સોસાયટીઓમાં રખડતાં કૂતરાં ક્યારે હુમલો કરશે એ કહેવું મુશ્કેલ છે. સોસાયટીઓમાં રખડતાં કૂતરાઓને જોઇ રસ્તો પસાર કરવાનો ડર લાગતો હોય છે. સોસાયટીઓમાં બાળકોને પણ રમવું મુશ્કેલ થઇ ગયું છે.
વૃદ્ધાને મલ્ટિપલ ઇજા થઈ છે
કૂતરાના હુમલાનો ભોગ બનેલાં અલકાબહેન ભટ્ટની સારવાર કરનાર ખાનગી હોસ્પિટલના તબીબ ભરત રાવલે જણાવ્યું હતું કે અલકાબહેન ભટ્ટને કૂતરાઓએ મલ્ટિપલ ઇજા પહોંચાડી છે. તેમને કૂતરાઓએ હાથ, પગ અને છાતીના ભાગે બચકાં ભરી ઇજા પહોંચાડી છે. તેમને તાત્કાલિક ઓપરેશન કરીને સારવાર આપવામાં આવી છે. તેમને ICUમાં રાખવામાં આવ્યાં હતાં. હાલ તેમની તબિયત સુધારા પર છે.
કૂતરાઓના નિયંત્રણ માટે કોર્પોરેશન નિષ્ફળ
કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે વડોદરામાં રખડતાં કૂતરાઓ પર અંકુશ લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન કરે છે છતાં એનો ત્રાસ યથાવત્ છે. તો પાલિકા પૈસા વાપરે છે ક્યાં. કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. આ પરિસ્થિતિ ગંભીર છે. પાલિકાએ ડોગ હોસ્ટેલ બનાવવી જોઇએ. હું જ્યારથી કોર્પોરેટર બન્યો ત્યારથી આ સમસ્યાની રજૂઆત કરી રહ્યો છું. આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું હતું કે કૂતરાઓનો બહુ જ ત્રાસ છે. નાનાં છોકરાઓથી લઇને મોટાઓમાં ચિંતા છે. કૂતરાઓ એટેક કરે તો આપણે હેલ્પલેસ થઇ જઇએ છીએ. રાત્રે વૃદ્ધાની બહુ ચીસો સંભળાઇ હતી.
કોર્પોરેશન કામ કરી રહ્યું છે
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ-2014માં કરવામાં આવેલી કૂતરાઓની ગણતરી પ્રમાણે વડોદરામાં 40 હજાર રખડતાં કૂતરાં છે. પ્રતિવર્ષે 2 હજાર જેટલા લોકો કૂતરાના હુમલાનો ભોગ બને છે. પ્રતિદિન 6થી 7 લોકો કૂતરાના હુમલાનો ભોગ બને છે. કોર્પોરેશન દ્વારા વર્ષ-2015થી કૂતરાના ખસીકરણ માટે રૂપિયા 90 લાખનો ખર્ચ કરે છે. કૂતરાઓના ખસીકરણ માટે બે એજન્સી હાલ કામ કરી રહી છે.
શહેરમાં ગાય-કૂતરાનો ત્રાસ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરતમાં બાળકી પર કૂતરું ફરી વળ્યું હતું. આ ઘટનાના લાઇવ સીસીટીવી સામે આવ્યા હતા, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. શહેરોમાં રખડતાં ઢોરોની સાથે કૂતરાઓનો પણ ત્રાસ વધી ગયો છે. રખડતાં ઢોર અને કૂતરાઓના ત્રાસથી શહેરીજનોને બચાવવા તંત્ર ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં રોજ કૂતરાઓ અને રખડતાં ઢોર રાહદારીઓને ઇજા પહોંચાડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.