સનફાર્મા રોડ પર અકસ્માત થતા કાર ચાલકે આધેડને ડંડા વડે ઢોર માર માર્યો હતો, જેના કારણે આધેડને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાને પગલે રોડ પર મોટી માત્રામાં લોકો ટોળા આવી ગયા હતા. આધેડના ભત્રીજાએ 2 વ્યક્તિઓ વિરુદ્ધ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અટલાદરા ખાતે આવેલા આમલીવાળા ફળિયામાં રહેતો અક્ષય ચાવડા ગુરુવારે રાત્રીના 9 વાગ્યાના સુમારે જમવા માટે સનફાર્મા રોડ નીકળ્યો હતો. જ્યારે તે જમીને પાછા આવી રહ્યો હતો ત્યારે બ્રમ્હાકુમારીઝના સેન્ટર પાસે એક હ્યુન્ડાઈ કારે એક આધેડ બાઈક સવારને અડફેટમાં લીધા હતા. કાર ચાલક અને તેનો નાનો ભાઈ ગાડીમાંથી ઉતરીને તે આધેડને ઢોર માર મારી રહ્યા હતા. જેથી અક્ષયે નજીક જઈને જોતાં તે આધેડ તેના જ મોટા પપ્પા હતા. અકસ્માત થતા રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા આવી ગયા હતા.
અક્ષય તાત્કાલિક તેના મોટા પપ્પાને લોકોની મદદથી રીક્ષામાં હોસ્પિટલમાં લઈ ગયો હતો. અકસ્માતમાં કાર ચાલકને પણ ઈજા પહોંચતા તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ હરપાલ વણઝારા અને મહેશ વણઝારા તરીકે બહાર આવ્યું હતું અને તે બંને સનફાર્મા રોડ પર રહે છે. આ અંગે અક્ષય ચાવડાએ જે.પી રોડ પોલીસ મથકે હરપાલ અને મહેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે અક્ષયે જણાવ્યું હતું કે, હાલમાં મારા મોટા પપ્પાની હાલત ગંભીર છે. આ બે વ્યક્તિઓએ કાકાને કેમ માર્યા તે અંગે અમને કોઈ જાણ નથી.
આમ, કાર ચાલક સહિતના બે શખ્સે જે રીતે જાહેર રોડ પર એક આધેડ પર હુમલો કરીને તેમને ગંભીર ઇંજા પહોંચાડી હતી તે જોતા આ બન્ને શખ્સેને કાનુનનો કો ડર જ ન હોય તેમ ઘટના પરથી સ્પષ્ટ જણાયું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી હુમલાખોર બન્ને શખ્સની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.