રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવેલ વિકાસ દિવસના પ્રસંગે જ પાલિકાની આવાસ યોજનામાં ફાળવણીને કૌભાંડ સર્જાયું હતું અને તેમાં કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ પ્રેશર હોવાનો ખુલાસો કરતા તેની પાછળ કયા માથાઓ સંડોવાયેલા છે તે અંગે ભારે વિવાદ સર્જાયો છે. ડ્રો થયા બાદ 156 જેટલા આવાસોના નામોમાં ફેરફાર થયો હતો અને 42 નામો બદલાયા હતા. આ ડ્રો બાદ મેયર કેયૂર રોકડિયાને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે ડ્રોમાં યોગ્યતા જળવાઈ નથી.
બીજી તરફ કોઈકના મારફતે ઇન્ચાર્જ સિટી એન્જિનિયર પણ ફોન ગયો હતો.જેથી મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ અને મેયરે ચર્ચા કરી શૈલેષ મિસ્ત્રીને તપાસ સોંપી હતી. જેનો 10મીએ સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર પણ કરાયો હતો.
જેના આધારે ડ્રો ની યાદી માં ફેરફાર કરીને અપલોડ કરનારા એમ.આઇ.એસ એક્સપર્ટ નિશિતને પૂછતા કબૂલાત કરી હતી કે કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા ના કહેવાથી ફેરફાર કર્યો છે અને પ્રમોદ વસાવાએ મેયર પાસે એવી કબૂલાત કરી હતી કે ભૂલ થઈ છે પણ પ્રેશર હોવાથી નામોમાં ફેરફાર કર્યો છે. ભૂતકાળમાં જી 40ના કૌભાંડમાં પણ પ્રમોદ વસાવાનું નામ ખૂલ્યું હતું. પ્રમોદ વસાવાની સરભરામાં કેટલાક કોન્ટ્રાક્ટર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.
જ્યાં સુધી સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ફાળવણી પર બ્રેક
કૌભાંડને પગલે 156 આવાસોની ફાળવણી પર બ્રેક વાગી છે અને જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી કોઈને પણ ફાળવણી નહીં કરવાનો આદેશ અપાયો છે. આવાસ યોજનાની કચેરીમાં ફાળવણી વાળા કોઈના પણ નાણાં નહીં સ્વીકારવાની સૂચના આપી દેવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.