વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન પાંચ મહિના અગાઉ આણંદ જિલ્લાના બામણગામ ખાતે રહેતા યોગેશભાઇ ઓડ સાથે થયા હતા. લગ્નમાં પરિણીતાને પરિવાર દ્વારા સોના-ચાંદીના દાગીના સહિતની અનેક વસ્તુઓ આપી હતી. જો કે પતિ યોગેશે લગ્નની પ્રથમ રાત્રીએ જ પરિણીતાને કહ્યું હતું કે તુ ગમતી નથી હું તો બીજી કોઇ છોકરીને પ્રેમ કરુ છુ. મારે તને રાખવી નથી. મે ના છૂટકે તારી સાથે લગ્ન કર્યા છે. તેમ કહી પરિણીતાને માર માર્યો હતો અને પત્ની તરીકેના સંબંધ રાખ્યા ન હતા.
6 લાખ રૂપિયા લાવવા દબાણ કર્યું
પરિણીતાએ બીજા દિવસે સાસુ-સસરાને આ અંગે જાણ કરતા તેમણે પણ પોતાના પુત્રનું ઉપરાણું લીધું હતું. અને તું કરીયાવરમાં કશું નથી લાવી. તારા પિતાને ત્યાંથી 6 લાખ રૂપિયા લઇ આવ તેમ કહી તેને તરછોડી હતી. જેથી પરિણીતા પિયર આવી ગઇ હતી અને પતિ તથા સાસરીયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બાપોદમાં ઘરમાંથી 1 લાખ 98 હજારની ચોરી
શહેરના આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલ લેકવ્યુ રેસીડેન્સીમાં અમરીશભાઇ સોલંકી રહે છે. તેઓ ઘરને તાળુ મારી મિત્રની પત્નીના શ્રીમંતમાં હરણી રોડ ખાતે આવ્યા હતા. દરમિયાન તેઓ ઘરે પરત ફર્યા તો ઘરનો દરવાજો તૂટેલો હતો. તેમજ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1 લાખ 98 હજારની ચોરી થઇ ગઇ હતી.
લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર શખ્સને પાણીગેટ પોલીસે ઝડપ્યો
શહેરના પાણીગેટ વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી નિલય રમેશચંદ્ર વૈદ (રહે. સાંઇ વિહાર સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા) ભગાડી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પાણીગેટ પોલીસે બાતમીના આધારે આરોપી નિલયનું લોકેશન શોધી ભાવનગરથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી સગીરાને મુક્ત કરાવી છે. આરોપી નિલય સામે અગાઉ પાણીગેટ, નવસારી રૂરલ અને કોસંબા પોલીસ સ્ટેશનમાં પણ જુદાજુદા ગુના નોંધાયેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.