ગત ગુરુવારે હિપોપોટેમસના હુમલામાં કમાટીબાગના સિક્યુરિટી ગાર્ડ અને ક્યુરેટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકીના સારવાર લઇ રહેલા સિક્યુરીટી ગાર્ડનો પગ હોસ્પિટલ સત્તાધીશોએ સર્જરી કરીને કાપવો પડ્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ હાલમાં તેની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હિપોએ હુમલા દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રોહીત ઇથાપેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો અને તેને જેતલપુર રોડ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.
આ હોસ્પિટલના તબીબ ડો. વિજય ઠાકોરે જણાવ્યું કે, ‘હિપોએ હુમલામાં ઢીંચણની આગળના ભાગે અને પાછળ બંને તરફ દાંત ખુંપાવી દીધા હતા. તેથી ચેતાતંત્ર અને લોહીની નલિકાઓ કપાઇ જતાં ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. અમે એ જ રાત્રે સર્જરી કરી હતી પણ સ્નાયુઓ નિર્જિવ થતા જતા હોવાથી જમણો પગ કાપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. હજી 72 કલાક સ્થિતિ કટોકટીભરી હોવાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.’ હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરને પણ હિપોના હુમલામાં માથા અને ખભાના ભાગે સહિત ત્રણેક ફ્રેકચર થતાં તેમની પણ સર્જરીઓ કરવામાં આવી હતી.
જોકે તેમની હાલત હવે ખતરાથી બહાર હોવાનું હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું છે. હિપોના હુમલામાં ઘાયલ રોહીત ઇથાપેની સર્જરી બાદ પણ તબીબોની સઘન સારવાર છતાં સ્થિતિ કથળતી જતી હતી. તબીબોના મતે લોહી અને સંવેદનાનું વહન કરતી નસો કાર્યરત થાય તેવી શક્યતા પાંખી થતાં તેની કીડની અને ફેફસાને પણ અસર થાય તેવી વકી હતી. તેથી તેમનો અસરગ્રસ્ત પગ સર્જરી કરીને દૂર કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. જોકે હોસ્પિટલ સત્તાધીશોના મતે તેઓ રિકવર થતાં વધુ તકલીફ વિનાનું જીવન ગુજારી શકશે. નોંધનિય છે કે કમાટીબાગમાં આવો કિસ્સો પહેલીવખત નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.