શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમીક શિક્ષણ સમિતીની શાળાના સંકુલમાં જ યુવા બિઝનેસમેનોનું ગ્રુપ કરોડો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ માટે પ્રાઇવેટ સ્કુલને માત આપે તેવું નવું બિલ્ડીંગ બનાવશે. જેનું ભૂમિ પૂજન મંગળવારે કરવામાં આવ્યું છે.
હાલનું શાળાનું બિલ્ડીંગ આ વિદ્યાર્થીઓ માટે નાનું પડી રહ્યું
અટલાદરા સ્વામીનારાયણ મંદિર પાસેની નગર પ્રાથમીક શિક્ષણ સમિતીની ડો.શ્યામાપ્રસાદ મુખર્જી શાળામાં 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલનું શાળાનું બિલ્ડીંગ આ વિદ્યાર્થીઓ માટે નાનું પડી રહ્યું છે. ત્યારે શહેરના યુવાનોનું એક ગ્રુપ આ શાળાની ખુલ્લી જગ્યામાં જ અત્યાધુનીક નવું બિલ્ડીંગ બનાવી આપવા આગળ આવ્યું છે. ગ્રુપમાં 14 સભ્યો સામેલ છે. બધા જ યુવાનો વિવિધ ક્ષેત્રમાં પોતાનું આગવું નામ ધરાવે છે. આ ગ્રુપ તેઓ બરોડા યંગ ટર્ક રાઉન્ડ ટેબલ 201ના નામે ઓળખાય છે.
ઝાડને કાપ્યા વગર આ બિલ્ડીંગ બનાવવામાં આવનાર
ગ્રુપના સભ્ય આર્કિટેક્ટ ભાવિક ઠક્કરે જણાવ્યું હતું કે, શાળાના સંકુલમાં ઘણી ખુલ્લી જગ્યા છે. હાલ આ સંકુલમાં શાળાનું જૂનું બિલ્ડીંગ છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યા સામે તે નાનું પડે છે. તે માટે ખુલ્લી જગ્યામાં જ 13 હજાર સ્કેવર ફૂટ બિલ્ટ અપ વિસ્તારમાં 7 ક્લાસરૂમ, 1 લાઇબ્રેરી, 1 કોમ્પ્યુટર લેબ, 1 સાયન્સ લેબ, સ્ટાફ રૂમ સહીતની સુવિધાઓ સાથે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે તેવું બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. આ સંકુલમાં આવેલ એક પણ ઝાડને કાપ્યા વગર આ બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે.
અત્યાધુનિક શાળા બનાવવાનું સ્વપ્ન પૂરું થશે
બરોડા યંગ ટર્ક રાઉન્ડ ટેબલ 201 અંતર્ગત અમે સ્લમ બાળકોના ઉત્થાન માટે પ્રવૃત્તિ કરવા વિચારતાં હતા. ગ્રુપમાં 14 સભ્યો છે અને બધાનો વિચાર હતો કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અત્યાધુનીક શાળાનું બિલ્ડીંગ બનાવી આપવું જોઇએ. અમે નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના ચેરમેન, વાઇસ ચેરમેન સાથે પ્રસ્તાવ મૂક્યો અને તેમણે મંજૂર કર્યો. મંગળવારે ભૂમી પૂજન કરાયું છે. અંદાજે 3 કરોડનું બિલ્ડીંગ દોઢ વર્ષમાં તૈયાર થઇ જશે તેવી અપેક્ષા છે. - વિકેશ જૈન, પ્રોજેક્ટ સેક્રેટરી
પીપીપી મોડલ થકી શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવશે
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી શાળા વર્ષો જૂની શાળા પૈકીની છે. જગ્યા ખૂબ જ મોટી છે. હાલ જે બિલ્ડીંગ છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં નાનું પડી રહ્યું છે. ગત વર્ષે બરોડા યંગ ટર્ક રાઉન્ડ ટેબલ 201 ગ્રુપના યુવાનોએ પીપીપી મોડલ દ્વારા શાળાના નવા બિલ્ડીંગ બાંધી આપવાની ઇચ્છા દર્શાવી હતી. જેને મંજૂરી અપાઇ છે. બિલ્ડીંગ બાંધવાનો ખર્ચ આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. માત્ર જગ્યા સમિતીની છે. > ડો.હેમાંગ જોશી, વાઇસ ચેરમેન, શિક્ષણ સમિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.