આઠ દિવસની બાળકીની તસ્કરી:​​​​​​​દિલ્હીથી બાળકોની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ વડોદરા રેલવે સ્ટેશનથી ઝડપાઇ

વડોદરા23 દિવસ પહેલા
બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ.

શહેરની ઝોન-2 LCBની ટીમ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી બાળકોની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગના પતિ-પત્નીને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાળકોની તસ્કરી તેઓ દિલ્હીથી કરતા હોવાનું જણવા મળ્યું છે.

વડોદરાનું દંપતી દિલ્હીથી બાળકી લાવ્યું
વડોદરામાં LCB ઝોન-2ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન બહાર કોઇ શંકાસ્પદ લોકો બાળકોની સપ્લાય કરવાના છે અને એક દંપતીને બાળક આપવાના છે. જેથી LCB અને રાવપુરા શી ટીમ તેમજ ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098ના સ્ટાફ સાથે રાખી તપાસ કરતા સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા (રહે. તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ) એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

અમે બાળકી દત્તક લેવાના છીએ: દંપતી
પોલીસે બાળકી અંગે દંપતીને પૂછતાં તેમણે કબૂલ્યું હતું કે, સેન્ટ્રલ દિલ્હીના કરોલબાગ સ્થિત બાપાનગરમાં રહેતી પૂજા હરીશંકર તથા દીપક કુમાર શીવચરન પાસેથી તેઓ આ બાળકીને લાવ્યા છે. દંપતીએ કહ્યું કે તેઓ આ બાળકીને દત્તક લેવાના છે. જો કે આ દંપતી પાસે બાળકી કે તેના સાચા માતા-પિતાના કોઇ આધાર પુરાવા ન હોવાથી રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

બાળકીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ
પોલીસના જણાવ્યા અનુસાર કથિત રીતે દિલ્હીથી લાવવામાં આવેલી આ બાળકની ઉંમર માત્ર આઠ દિવસની છે. તેથી તેને પ્રાથમિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. તેમજ દંપતીની અટકાયત કરી તેઓ બાળકોની તસ્કરીમાં કેવી રીતે સામેલ છે અને તેઓ અગાઉ પણ આવી રીતે બાળકો લાવ્યા છે કે નહીં. તેમજ કોના સંપર્કથી આ બાળકી તેઓ લાવ્યા વગેરે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક મહિલાએ ડીસીપી અભય સોનીને બાતમી આપી હતી
એક મહિલાએ ફોન કરીને ડીસીપી ઝોન -2ને માહિતી આપી હતી કે ‘ રવિવારે દિલ્હીથી આવતી એક ટ્રેનમાં ગેરકાયદે થયેલા સોદા મુજબ એક નવજાત બાળકને લઇને એક મહિલા આવશે ,રેલવે સ્ટેશન ખાતે ખરીદનાર મહિલા પણ આવશે. આ પછી ડીસીપી અભય સોનીની એલસીબીની ટીમ રેલવે સ્ટેશન ખાતે ગોઠવાઈ હતી અને કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ગેંગમાં અનેક લોકોની સંડોવણીની શંકા
આ સંબંધમાં હાલ અટકાયતી પગલાં લીધા છે પણ દિલ્હીની મહિલા જે દાવો કરે છે તે મુજબના કાગળીયા અને દસ્તાવેજોની માંગ કરી છે દિલ્હીમાં પણ તપાસ થશે, આ રેકેટમાં અન્ય લોકો પણ સામેલ હોવાની અમને શંકા છે. - અભય સોની,ડીસીપી,ઝોન-2.