ભારતની આઝાદીના 75 વર્ષ થતાં સમગ્ર વર્ષ અમૃત પર્વ તરીકે ઊજવાનાર છે. જે અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશનાં તમામ એરપોર્ટને તેના પ્રારંભથી અત્યાર સુધીની મજલની ફોટો ગેલેરી તૈયાર કરવા આદેશ કર્યો છે. વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટના ઇતિહાસ અને તેને સંલગ્ન ફોટા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. વડોદરા એરપોર્ટ ભારતની આઝાદી કરતાં પણ જૂનું છે.
સર સયાજીરાવે 1930માં હરણી ખાતે એરપોર્ટની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1939માં જર્મન ગ્લાઈડર કંપની દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ અપાયું હતું. 1937માં એરોડ્રામ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું હતું. દેશ આઝાદ થતાં એરપોર્ટનો કબજો ભારત સરકારે લીધો હતો. વડોદરા એરપોર્ટ ખાતે કાર્યરત ગુજરાત ફ્લાઈંગ ક્લબ દ્વારા આઝાદી બાદ પાઇલટને ટ્રેનિંગ અપાતી હતી.
અત્રે તૈયાર થયેલા પાઇલટ લક્ષ્મણ સોનિયાએ 22 વર્ષથી ગુજરાતના ચીફ તરીકે મુખ્યમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સેવા આપી હતી. એરપોર્ટ ડાયરેક્ટર ટી.કે.ગુપ્તાએ કહ્યું કે, જૂના લોકોનો સંપર્ક કરી એરપોર્ટની માહિતી અને ફોટા એકત્ર કરી આર્ટ ગેલેરી તરીકે મૂકવા પ્રયાસ થશે. જ્યારે ગુજરાત ફ્લાઇંગ ક્લબના ટ્રેનર કેપ્ટન પી.જી. પટેલે જણાવ્યું કે, દેશના પાઇલટને વડોદરાથી ટ્રેનિંગ અપાતી હતી. હાલ પણ એરફોર્સના પ્લેન વડોદરા એરપોર્ટના રન-વેથી કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.