તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરમાઇકોસીસ:SSGમાં મ્યુકોરમાઇકોસીસના વધુ 19 દર્દી દાખલ, 25 સર્જરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં શહેરમાં 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
  • હોસ્પિટલમાં ઓક્સિજન આપતા સમયે અશુદ્ઘ પાણી વપરાય તો પણ આ રોગ થઇ શકે : શહેરના નિષ્ણાતો

શહેરમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં ઝડપભેર વધારો થયો છે. સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકરમાઇકોસીસના 19 દર્દીઓ દાખલ થયા હતા. જેના કારણે કુલ દર્દીઓનો આંક વધીને 91 પર પહોંચ્યો છે. બુધવારે દાખલ 25 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી સયાજી હોસ્પિટલમાં 91 દર્દીઓ દાખલ કરાયા છે.જયારે શહેરમાં 200થી વધુ દર્દી સારવાર હેઠળ છે.કોરોના બાદ થતાંમ્યુકોરમાઇકોસિસ થવા પાછળનું એક વધુ ચોંકાવનારુ કારણ બહાર આવ્યું છે.

શહેરના ઇએન્ટી નિષ્ણાતો અને કોરોના તજજ્ઞના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ઓક્સિજન અપાતા સમયે હ્યુમિડિફાયરમાં અશુદ્ઘ પાણી વપરાય તો તેમાં મ્યુકોરફુગ હોવાથી નબળી પડેલી રોગ પ્રતિકારકશક્તિને લીધે દર્દીને મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે. આ ઉપરાંત દર્દીના નાકમાં નાંખવામાં આવતી ખોરાકની ટ્યુબમાં જામતો કચરો પણ આ રોગનું કારણ બની શકે છે. જાણીતા ઇ એન્ડ ટી સ્પેશિયાલિસ્ટ અને મહિનામાં જ મ્યુકોમાઇકોસિસના 11 ઓપરેશન કરનાર ડો. આર.બી. ભેંસાણિયાએ જણાવ્યું કે, ‘મ્યુકોરમાઇકોસિસ ફુગને ભેજવાળા વાતાવરણમાં વધુ સક્રિય બને છે.

ઓક્સિજન આપતી વખતે ડિસ્ટિલ વોટર વાપરવું પડે. જો સાદુ પાણી વપરાય તો પાણીની મ્યુકોરફુગ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને તેનો શિકાર બનાવી શકે છે. જો કોરોના દર્દીને યોગ્ય નર્સિંગ સારવાર ન અપાઇ હોય, જરૂરી બાબતોનું ધ્યાન આપ્યું હોય તો પણ આ ફુગ દર્દીને લાગી શકે છે. ’ આ જ વાત કોરોના તજજ્ઞ અને ગોત્રી હોસ્પિટલના એડવાઇઝર ડો. શીતલ મિસ્ત્રી કહે છે કે, ‘ ઓક્સિજન આપતા ફ્લોમીટરના પાણીને નિસ્યંદિત રાખવું જરૂરી છે, સાદા પાણીમાં મ્યુકોરમાઇકોસિસની ફુગ હોય છે. જેનો ખતરો પણ દર્દીને રહે જ છે. પોસ્ટ કોવિડમાં પણ આ ફુગની અસર થઇ શકે છે.’

શું છે હ્યુમિડિફાયર?
દર્દીને જ્યારે ઓક્સિજન આપવામાં આવે છે, ત્યારે આ ઓક્સિજન સૂકો હોય છે. જેથી આ ઓક્સિજન શરીરને માફક આવતો નથી. તેથી ઓક્સિજનને ભેજવાળો કરવો પડે છે. ઓક્સિજનના સપ્લાય સાથે હ્યુમિડિફાયર નામનું એક સાધન જોડેલું હોય છે જે ઓક્સિજનને ભેજવાળો કરે છે. સાદો ઓક્સિજન ભેજવાળો થઈને દર્દીને આપવામાં આવે છે

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની મેડિકલ પ્રોફાઇલ સહિતનો ડેટા તૈયાર કરાશે
શહેરમાં મ્યુકોરમાઇકોસિસના ધીમે ધીમે કેસો વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહેલા દર્દીઓનો મેડિકલ પ્રોફાઇલ સહિતનો ડેટા તૈયાર કરવામાં આવશે. શહેરના વિવિધ સ્પેશિયાલિટીના 8 યુવા અને અનુભવી તબીબોના ગ્રૂપ દ્વારા આ સરવે કરાશે. આ વિશે આ ગ્રૂપના સ્થાપક અને સંક્રમણ વિશેષજ્ઞ ડો. હિતેન કારેલિયાએ જણાવ્યું કે, ‘ હાલમાં પણ સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી કયા દર્દીઓમાં મ્યુકોર માઇકોસિસનો ખતરો વધારે હોય છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જેમની સારવાર લાંબી ચાલે છે તેમના પર આ માટે વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે.

સામાન્યત: ઓક્સિજનના હ્યુમિડીફાયરમાં હોસ્પિટલો નિસ્યંદિત પાણીનો જ ઉપયોગ કરતી હોય છે. હાલમાં જ્યારે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેકશન્સની અછત છે ત્યારે ઇન્જેક્શનના બદલે કઇ કઇ દવાઓ વાપરી શકાય તેની માહિતી આપવામાં આવશે. આગામી દિવસોમાં અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાના છીએ. જેથી કોઇ તબીબ કે દર્દીનો પરિવાર કોઇ માર્ગદર્શન મેળવી શકે છે.’ ડો. આર.બી ભેંસાણિયાએ જણાવ્યું કે, ‘ કોરોના મટ્યા બાદ અચાનક ત્રણ ચાર દાંત ઢીલા પડવા માંડે કે હલવા માંડે, દુખાવો ત્યારે તે લક્ષણ મ્યુકોરમાઇકોસિસનું હોઇ શકે.’

અન્ય સમાચારો પણ છે...