એકલતામાં માલિક નરાધમ નીકળ્યો:વડોદરાના સેલવાસામાં પોતાના કારખાનામાં કામ અપાવનાર મિત્ર હવસખોર બન્યો, દારૂના નશામાં વેલ્ડરની પત્ની પર દુષ્કર્મ આચર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડોદરાના માંજલપુર પોલીસે પીડિતાની ફરિયાદ દાખલ ન કરી

વેલ્ડીંગનું કામ કરતા પતિ સાથે સેલવાસા ગયેલી પરિણીતાની એકલતાનો લાભ લઇ વેલ્ડીંગનુ કામ અપાવનાર શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય બાબત એ છે કે, વડોદરાના રહેવાસી વેલ્ડરે વડોદરા માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ, માંજલપુર પોલીસે દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદ ન લેતા વેલ્ડર દંપતીને ભયના ઓથાર નીચે પુનઃ સેલવાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. સેલવાસા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ વેલ્ડર સાથે પ્રેમલગ્ન કર્યા હતા
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીકના ગામમાં જયેશભાઇ (નામ બદલ્યું છે) વેલ્ડીંગ કામ કરીને ગુજરાન ચલાવે છે. જયેશભાઇએ દિપાલી (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જયેશભાઇ અને તેમની પત્ની મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવી છે. દરમિયાન વડોદરા નજીક આવેલા તલસટ ગામમાં રહેતા અર્જુનસિંહ ફતેસિંહ પરમાર જૂન મહિનામાં જયેશભાઇને વેલ્ડીંગનું કામ કરવા માટે સેલવાસા લઇ ગયા હતા. પતિ સાથે તેમની 22 વર્ષીય પત્ની દીપાલી પણ ગઇ હતી. અહીં વેલ્ડીંગનું કામ કરવાનું હતું, તે જગ્યા ઉપર પતરાના બનાવેલા રૂમમાં પતિ-પત્ની રહેતા હતા.

17 જુલાઇએ આરોપીએ દારૂની પાર્ટી કરી હતી
દાદરા નગર હવેલી, સેલવાસામાં દુષ્કર્મનો ભોગ બનેલી દીપાલીએ સેલવાસા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વડોદરા નજીક તલસટ ગામમાં રહેતા અર્જુનસિંહ પરમાર અવાર-નવાર સેલવાસામાં જયેશભાઇ જ્યાં કામ કરતા હતા તે જગ્યા ઉપર જતો હતો અને પરત જતો રહેતો હતો. પરંતુ 17 જુલાઈના રોજ અર્જુનસિંહ રાત્રે 8 વાગે દારૂની બોટલ સાથે સેલવાસા પહોંચ્યો હતો. અને સાથે કામ કરતા દિલીપ નામના વ્યક્તિ સાથે દારૂની પાર્ટી કરી હતી. દારૂની પાર્ટી પૂરી થયા બાદ દિલીપ તેના રૂમ ઉપર જતો રહ્યો હતો અને અર્જુનસિંહ રોકાઇ ગયો હતો.

મધરાતે પતિ કુદરતી હાઝતે ગયા તે સમયે આરોપીએ દુષ્કર્મ આચર્યું
દિલીપ નીકળી ગયા બાદ જયેશભાઇ તેમની પત્ની અને અર્જુનસિંહે સાથે બેસી જમ્યા હતા. બાદમાં અર્જુનસિંહ જયેશભાઇના ઘરમાં જ સૂઇ ગયો હતો. મધરાતે 3 વાગ્યે જયેશભાઇ કુદરતી હાજતે ગયા હતા. તે સમયે અર્જુનસિંહ ઉઠી ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી દીપાલીની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ જ સમયે કુદરતી હાજતેથી પરત ફરેલા જયેશભાઇએ દરવાજો ખખડાવતા પત્ની દીપાલીએ રૂમનો દરવાજો ખોલી પતિને જોઈ રડવા લાગી હતી. બાદમાં અર્જુનસિંહે કરેલા કૃત્ય અંગે પતિને જાણ કરી હતી. આ સમયે અર્જુનસિંહ પણ રવાના થઇ ગયો હતો.

સેલવાસા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
દરમિયાન જયેશભાઇ અને તેમની પત્ની વડોદરા આવી ગયા હતા. વડોદરા આવ્યા બાદ દીપાલીએ તેમના કાકા-સસરાને ઘટનાની જાણ કરી હતી. કાકા-સસરા દીપાલીને લઇ માંજલપુર પોલીસ મથકમાં તરસટ ગામના અર્જુનસિંહ પરમાર સામે ફરિયાદ કરવા માટે ગયા હતા. પરંતુ, માંજલપુર પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી કાકા-સસરા દીપાલીને લઇ સેલવાસા પોલીસ મથકમાં ગયા હતા. અહીં દીપાલીએ અર્જુનસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સેલવાસા પોલીસે ફરિયાદના આધારે અર્જુનસિંહ ફતેસિંહ પરમાર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.