વડોદરા શહેરમાં વસ્તી અને વિસ્તારમાં સતત થઇ રહેલા વધારાના પગલે ટ્રાફિકના ભારણમાં પણ વધારો થઇ રહ્યો છે. તો તેની સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આવનાર સમયમાં ટ્રાફિકની સર્જાનાર ભયંકર સ્થિતીને ધ્યાનમાં લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં પણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોર્પોરેશન વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રૂપિયા 43.42 કરોડના ખર્ચે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવા જઇ રહ્યું છે. અને તે માટે કવાયત પણ શરૂ કરી દીધી છે.
સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 24 મીટરની રોડલાઇન પર વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશન ઉપર રૂપિયા 43.42 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. બ્રિજના બાંધકામ માટે સરકારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.
મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે
આ બ્રિજ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટને સરકારમાં સ્થાયી સમિતિની મંજૂરી બાદ મોકલવામાં આવશે. જ્યાંથી મંજૂરી મળતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. આ બ્રિજ 795 મીટર લંબાઈમાં બનશે. પહોળાઈ 11.400 મીટર રહેશે. મનીષા સર્કલ તરફ બ્રિજની લંબાઈ 320 મીટર અને વાસણા (ભાયલી)તરફ લંબાઈ 440 મીટર રહેશે. જ્યારે વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશનની લંબાઈ 35 મીટરની છે.
ડ્રેનેજ, ગેસ, વીજ લાઇન દૂર કરાશે
વાસણા ભાયલી તરફ 18 મીટર તથા 7.50 મીટરના ફોર લેન ક્રોસિંગ પર આ સૂચિત બ્રિજ નીચેથી એમ્બ્યુલન્સ, ફોર અને થ્રી વ્હીલર પસાર થઈ શકે તે મુજબ રોડ લેવલથી બ્રિજના ગર્ડરના બોટમ વચ્ચે 3.50 મીટરની જગ્યા મળી રહે તે માટે વાસણા (ભાયલી) તરફ એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે. હાલ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ બ્રિજનો ખર્ચ રૂપિયા 39.29 કરોડ છે. રૂપિયા 1 કરોડનો ખર્ચ પાણી, ડ્રેનેજ, ગેસ, વીજ લાઈન વગેરે ખસેડવાનો થશે.
અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો
રૂપિયા 55 લાખનો ખર્ચ લાઈટના થાંભલા અને સેન્ટ્રલ લાઇટિંગ ખસેડવાનો થશે. વડોદરામાં અગાઉ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પાસે સર્વે કરાવતા સાત જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં વાસણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ વર્ષ 2025 સુધીમાં બનાવવા ભલામણ કરી હતી. જે 24 મીટરની રોડલાઇન પર બ્રિજ બનવાનો છે.
જમીન સંપાદનનો પ્રશ્ન નહિં રહે
સ્થળ સ્થિતિ ચકાસતા આ રોડ મંજૂર ટીપી સ્કીમ નંબર 15 અને 22ની હદ વચ્ચેનો રોડ છે. આસપાસના ફાઇનલ પ્લોટોના પઝેસન બાદ 22 મીટર રોડ મળી રહેશે. રોડની જગ્યા ટીપી સ્કીમમાં હોવાથી સંપાદનનો પ્રશ્ન રહેશે નહિં. વડોદરા સેવા સદન દ્વારા એક પછી એક ફ્લાય ઓવર બનાવી રહ્યું છે. જેમાં વાસણા રોડ ક્રોસીંગ પાસે વધુ એક બ્રિજ બનાવશે. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સમા-સાવલી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ફ્લાય ઓવર બનનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.