બારોબાર ક્રેડિટ કાર્ડ બનાવી છેતરપિંડી:વડોદરાના નિશાળીયા ગામમાં બેંકના પૂર્વ કર્મચારીએ 4 મિત્રો સાથે 12.25 લાખની ઠગાઈ કરી

વડોદરા12 દિવસ પહેલા
ભેજાબાજે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે પોતાનો મોબાઇલ નંબર આપીને ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા.
  • મિત્રોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવીને ક્રેડિટ કાર્ડ બનાવી લીધા
  • શિનોર, પાદરા, ભરૂચમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળીયા ગામના ભેજાબાજે ગામમાં રહેતા 4 ખેડૂત મિત્રો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિત દસ્તાવેજો મેળવી તેમના નામે RBL, SBI અને મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ મેળવીને 12.25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. RBL બેંકના કલેક્શન એજન્ટ ક્રેડિટ કાર્ડની બાકી રહેતી રકમની વસૂલાત માટે જતાં ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. ભેજાબાજે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે પોતાનો મોબાઇલ નંબર આપીને ક્રેડિટ કાર્ડ મેળવ્યા હતા. ભેજાબાજે પોતાના ગામના મિત્રો સહિત શિનોર, પાદરા, ભરૂચમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મિત્રોના નામે ક્રેડિટ કાર્ડ કઢાવ્યા
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નિશાળીયા ગામમાં જ રહેતો અને અગાઉ RBL બેંકમાં IT વિભાગમાં નોકરી કરનાર ભેજાબાજ અક્ષય અરવિંદ પટેલે નિશાળીયા ગામમાં રહેતા તેના મિત્રો પરેશભાઇ ખુશાલભાઇ પટેલ, સંજયભાઇ મનુભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ રણછોડભાઇ પટેલ અને ઇન્દ્રવદન નરસિંહભાઇ પટેલ પાસેથે આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી લીધા હતા અને તેમના નામના દસતાવેજો RBL બેંક, SBI અને મહિન્દ્રા બેંકમાં રજૂ કર્યાં હતા. અને પોતાનો મોબાઇલ નંબર આપી ક્રેડિટ કાર્ડ લીધા હતા અને તે ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 12.25 લાખ ઉપરાંતની રોકડ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.

મેં ક્યારેય ક્રેડિટ કાર્ડ લીધું નથી
ભેજાબાજ મિત્ર અક્ષય પટેલ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો ભોગ બનેલા બી.એ. પાસ ખેડૂત તા.29-4-022ના રોજ ઘરે હતા. તે સમયે તેમના ઘરે RBL બેંકનો કલેકશન વિભાગનો કર્મચારી ક્રેડિટ કાર્ડના ડ્યુ થયેલી રૂપિયા 4029 બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરવા આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. પરેશભાઇએ કર્મચારીને જણાવ્યું કે, મેં ક્યારેય ક્રેડિટ કાર્ડ લીધું નથી. દરમિયાન પરેશભાઇ પટેલે RBL બેંકમાં તપાસ કરતા તેમના નામનું ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું અને તમાં રૂપિયા 64301 આઉટસ્ટેન્ડિંગ રકમ બતાવતી હતી. તેમજ SBIમાં તપાસ કરતા એસ.બી.આઇ. બેંકમાંથી પણ તેમના નામનું ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયેલું બહાર આવ્યું હતું. SBIના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 1,21,153 પણ ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું.

12.25 લાખની છેતરપિંડી
દરમિયાન પરેશભાઇ પટેલને જાણવા મળ્યું કે, ભેજાબાજ અક્ષય પટેલે ગામના સંજયભાઇ પટેલના RBL બેંકમાંથી ક્રેડિટ કાર્ડ મેળવી રૂપિયા 69,050, SBIના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 78,089 અને મહિન્દ્રા બેંકનું ક્રેડિટ કાર્ડ મેળવી રૂપિયા 43, 207 મળી કુલ રૂપિયા 1,93,183ની છેતરપિંડી કરી છે. તેજ રીતે રાજેન્દ્રભાઇ પટેલના નામના ત્રણે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ મેળવી રૂપિયા 3,73,604 અને ઇનદ્રવદન પટેલના નામે પણ ક્રેડિટ કાર્ડ લઇને ભેજાબાજ અક્ષય પટેલે 3,72,250ની છેતરપિંડી કરી હતી. આમ ભેજાબાજ અક્ષય પટેલે ગામમાં રહેતા તેના ચાર મિત્રો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઇ તેમાંથી કુલ 12,25,497 રૂપિયાની છેતરપિંડી કરી હતી.

કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મિત્રના હાથે છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોએ ભેજાબાજ મિત્ર અક્ષય પટેલનો સંપર્ક કરી લીધેલા નાણાં ભરપાઇ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, ભેજાબાજે લીધેલા નાણાં ભરપાઇ ન કરતા પરેશભાઇ પટેલ સહિત ચાર ખેડૂતોએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે અક્ષય પટેલ સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભેજાબાજ અક્ષય પટેલે કરજણ ઉપરાંત, શિનોર, પાદરા, ભરૂચ સહિતના શહેરોમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...