વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસિબે બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી.
મેજર કોલ જાહેર કરાયો
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામની ચોકડી પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જેથી બનાવને પગલે પહેલા પાદરા અને આજુબાજુની કંપનીઓના ફાયરબ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે કાબૂમાં આવી રહી ન હતી. જેથી મેજર કોલ જાહેર કરાતા વડોદરાથી રાત્રે 2 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બૂઝાવવા માટે પહોંચી હતી.
કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં હતા
વિઝન કંપની મુખ્યત્વે કેમિકલ બનાવતી કંપની હતી. જેથી આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ ગઇ હતી અને આગને કારણે કેમકલના જથ્થામાં વારંવાર બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જેથી કંપની બળીને ખાખ થઇ ગઇ હતી.
છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
વડોદરા સહિત સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે છ કલાકની જહેમત બાદ આગ ઓલવાઇ હતી. જો કે રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઇને જાનહાનિ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.