રણોલીના સોનીએ ફાઇનાન્સ કંપનીને નકલી સોનું પધરાવી 3.33 લાખની લોન લઇ લીધી હતી. તપાસમાં 156 ગ્રામ પૈકી 25.70 ગ્રામ સોનું જ અસલી નીકળતાં ફાઇનાન્સ કંપનીએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નિઝામપુરાની મુથૂટ ફિનકોર્પના બ્રાન્ચ મેનેજર યાકુબખાન હબીબખાન કરામતીએ જીજ્ઞેશ નવનીતલાલ સોની (ગાયત્રી ટાઉનશિપ, રણોલી) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે, 6 એપ્રિલ,2019ના રોજ જીજ્ઞેશ સોનીએ 16 ગ્રામ સોનું મૂકી 35 હજારની લોન લીધી હતી.
આ રીતે 8 વાર સોનાનાં ઘરેણાં મૂકી 3.33 લાખની લોન લઈ તે ફરાર થઇ ગયો હતો. પ્રથમ 2 લોન લેતી વખતે સાચું સોનું મૂક્યું હતું, જ્યારે પછીથી 6 વાર તેણે ઘરેણાં મૂકી લોન લીધી હતી. તેણે 156 ગ્રામ સોનું ગિરવી મૂક્યું હતું, તે પૈકી 25.70 ગ્રામ સોનું જ અસલી હતું. આરોપી જીજ્ઞેશે નિઝામપુરા ઉપરાંત ગોત્રી વિસ્તારમાં આવેલી શાખામાં નકલી સોનું મૂકીને ઠગાઈ કરી હોવાનું જાણવા મળે છે. રણોલી વિસ્તારમાં પણ તેણે ઠગાઈ કરી હતી.
156 ગ્રામમાંથી મોટાભાગનું સોનું નકલી
ફાઇનાન્સ કંપનીના મેનેજર યાકુબખાને જણાવ્યું કે, આરબીઆઈના નોર્મ્સ મુજબ પછીથી અપાયેલી 6 લોનનું 156 ગ્રામ સોનું ચકાસતાં મોટાભાગનું નકલી નીકળ્યું હતું. ઘરેણાં પર સોનાનો ઢોળ ચડાવેલો હતો. તે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની પાસે વ્યાજ સહિત રૂા.6 લાખ લેવાના થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.