ચાલુ પરીક્ષાએ પંખો પડ્યો:મ.સ.યુનિની આર્ટ્સ ફેકલ્ટીમાં ડીન શિક્ષકો બેઠા હતા ત્યાં જ પંખો પડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બે મહિના પહેલાં જ ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થિની પર પંખો પડતાં ઇજા થઇ હતી
  • આર્કિઓલોજીની ઘટના, છૂપાવવાનો પ્રયાસ : સત્તાધીશોએ કહ્યું, ઘટના બની નથી

આર્ટસ ફેકલ્ટીના આર્કયોલોજીમાં સતત બીજી વાર પંખો પડયો હતો. ફેકલ્ટી ડીન સાથે અધ્યાપકો બેઠા હતા અને પંખો પડતા તમામ લોકો ગભરાઇ ગયા હતા અને બાલ બાલ બચ્યા હતા. બે મહિના પહેલા ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીની પર પંખો પડતા ઘાયલ થઇ હતી અને પરીક્ષા આપી શકી ના હતી.

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગુંબજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે ગુંબજમાં આવેલી ડીનની ઓફીસ હજુ તૈયાર કરવામાં આવી નથી. ફેકલ્ટી ડીન દ્વારા આર્કોયોલોજી વિભાગમાં હંગામી ઓફીસમાં બેસે છે. શનિવારે ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી ડીન જે ઓફીસમાં બેસે છે ત્યાં જૂનો પંખો પડતા ડીન સહિત અધ્યાપકો ગભરાઇ ગયા હતા.

ડીનની રૂમમાં તેઓ બેઠા હતા તે સમયે જ અચાનક પંખો તૂટી પડયો હતો. ઘટનાની જાણ થતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કોઇ ઘટના બની ના હોવાનું ગાણું ગાયું હતું. બે મહિના પહેલા પરીક્ષા દરમિયાન પંખો પડતા એક વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના કારણે વિદ્યાર્થિની તે સમયે પરીક્ષા આપી શકી નહોતી.

બીએ સેમેસ્ટર-૨ની પરીક્ષા બે મહિના પહેલા યોજાઈ ત્યારે વર્ગખંડમાં પંખો પડયો હતો અને સાયકોલોજી વિભાગની વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત બની હતી.ઈજાના કારણે તે બાકીના પેપરોની પરીક્ષા આપી શકી નહોતી. વિદ્યાર્થિનીના અંગ્રેજીના બે, જિઓગ્રાફીનુ એક, ગુજરાતનુ એક એમ ચાર પેપર બાકી હતી અને તેનુ વર્ષ ના બગડે તે માટે ફેકલ્ટી સત્તાધીશોએ તેની પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. હવે આ એક માત્ર વિદ્યાર્થિની માટે આર્ટસ ફેકલ્ટીએ પરીક્ષા લેવાની વ્યવસ્થા કરી છે.

વિદ્યાર્થિની ઉપર પંખો પડયા પછી હવે ફેકલ્ટી ડીનની ઓફીસમાં પંખો પડવાની ઘટનાના પગલે સમગ્ર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પંખા અને લાઇટોની હાલત યોગ્ય ના હોય ત્યાં કોઇ પણ પ્રકારનું ચેકીંગ કરાઇ રહ્યું નથી.

યુનિ. પાસે ફુલ ટાઇમ ઇલેક્ટ્રિશિયન જ નથી
યુનિવર્સિટી પાસે ફૂલ ટાઇમ ઇલેક્ટ્રિશીયન નથી. જેના કારણે ઇલેક્ટ્રીકલ ઉપકરણોનું કોઇ પણ પ્રકારનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું નથી. જૂના વાઇરીંગને પગલે કોઇ જગ્યાએ આગ લાગે કે વિદ્યાર્થીને કંરટ લાગે તો તે માટે જવાબદાર કોણ તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...