દર્દીના ફેફસાની ક્ષમતા ચકાસવા માટે વડોદરાના તબીબે ખાસ પ્રકારનું જેકેટ બનાવ્યું છે, જેનાથી દર્દીને ટેસ્ટ માટે શ્વાસ લેવા અને કાઢવા માટે અગાઉ મુશ્કેલી પડતી હતી તે હવે નહિ પડે. તબીબે તૈયાર કરેલા જેકેટને પેટન્ટ મળી છે.
પલ્મોનરી ફંક્શન ટેસ્ટ ઇન્ડક્શન જેકેટ મેડિકલ વિજ્ઞાનમાં ફેફસાને લગતા રોગોમાં દર્દીના ફેફસાની કાર્યક્ષમતા ચકાસવા પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં દર્દીએ તેની મહત્તમ ક્ષમતાથી શ્વાસ લેવાના હોય છે, પરંતુ મોટાભાગના દર્દીઓમાં આ ટેસ્ટ સારી રીતે કરવા માટે વારંવાર પ્રયત્નો કરવા પડતા હોય છે. આ માટે દર્દીઓને પડતી મુશ્કેલી ઓછી કરવાના વિચાર સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગના તબીબ ડો. પ્રશાંત રાજદીપે એક જેકેટ બનાવ્યું છે, જેને ભારત સરકાર દ્વારા પેટન્ટ ગ્રાન્ટ આપવામાં આવી છે.
હાલની આ શોધ એ કોન્સેપ્ટ પર આધારિત છે, જેમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટમાંથી પસાર થતા દર્દીઓના પ્રયત્નોની માત્રા ઘટાડી શકાય છે. આ જેકેટ માત્ર દર્દીઓને જ મદદ નહીં કરે, પરંતુ તબીબોના પણ સમય અને શક્તિનો વ્યય થતાં અટકાવશે.
ડો.પ્રશાંતે જણાવ્યું હતું કે, દર્દીઓને ટેસ્ટ લેતી વખતે વારંવાર સૂચનાઓ આપવી પડતી હતી અને તેના કારણે પ્રયત્નો પણ વધી જતા હતા. જોકે હવે આ જેકેટની મદદથી આસાનીથી ટેસ્ટ કરી શકાશે અને દર્દીઓને પણ આસાની થશે. તબીબોને ટેસ્ટ લેવા માટે તકલીફ નહીં ઊભી થાય.
જેકેટ કેવી રીતે કામ કરે છે?
આ જેકેટમાં ઊંડા શ્વાસ માટે સ્ટિમ્યુલસ તરીકે ચોક્કસ તાપમાનવાળા ઠંડા પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મહત્તમ શ્વાસની ક્રિયામાં મદદ માટે એ જ જેકેટમાં હવાથી દબાણ ઉત્પન્ન કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.