ભેંસ બાદ ગાય અથડાઇ:આણંદ પાસે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સાથે હવે ગાય અથડાઇ, મુસાફરોના જીવ અધ્ધર થયા

વડોદરા2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગાંધીનગર-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી લોકાર્પણ કર્યું હતું. જો કે, સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બે વાર પશુ અથડાયા છે અને અકસ્માત નડ્યો છે. જેમાં ગુરૂવાર અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને તેના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ આજે શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે ગાય અથડાઇ હતી. જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

મુંબઈ જતી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો
આ અંગે વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત PRO પ્રદિપ શર્માએ દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે સાંજે લગભગ પોણા ચાર વાગ્યે ગાંધીનગરથી મુંબઇ જઇ રહેલી વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ હતી. ઘટનાને કારણે ટ્રેન 10 દસ મિનિટ લેટ ચાલી રહી છે. ગાયના માલિકની શોધ કરી તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીનું વંદે ભારતને પશુ અથડાવા મુદ્દે નિવેદન
આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશના તમામ રેલવે ટ્રેક હજુ પણ જમીન પર, સપાટી પર છે. જેથી પશુઓની સમસ્યા યથાવત છે. જો કે, આવી સમસ્યાઓનો સામનો કરવા માટે ટ્રેનોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે. ગઈકાલની ઘટના પછી પણ વંદે ભારત ટ્રેનને કંઈ થયું નથી, આગળના ભાગનું સમારકામ કરાયું છે.

વંદે ભારતને આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે પશુ અથડાયું
વંદે ભારતને આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે પશુ અથડાયું

ગુરૂવારે પણ અકસ્માત થયો હતો
ગુરૂવારે અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર હતાં. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં બંને ભેંસના મોત થયા હતા.

અમદાવાદમાં વટવા પાસે બે ભેંસ વંદે ભારત સાથે અથડાઈ હતી
અમદાવાદમાં વટવા પાસે બે ભેંસ વંદે ભારત સાથે અથડાઈ હતી

એક જ ટ્રેનને બીજીવાર અકસ્માત નડ્યો
વંદેભારત ટ્રેનને અમદાવાદમાં નડેલા અકસ્માત બાદ ગાંધીનગર રવાના કરાઈ હતી. ત્યારબાદ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા મેઈન્ટેન્સમાં મોકલીને એક જરાતમાં રિપેર કરી દેવામાં આવી હતી. જોકે, આજે શુક્રવારે ફરી આજ ટ્રેનને ગાંધીનગરથી મુંબઈ જતી વેળા અકસ્માત નડ્યો હતો. ફરીવાર પણ એક ઢોર આડે આવ્યું હતું. જો કે આ વખતે નુકસાન બહુ ઓછું હતું.

વંદે ભારતને રિપેર કરવામાં આવી હતી
વંદે ભારતને રિપેર કરવામાં આવી હતી