ધરપકડ:બસમાં બેસવા જતી મહિલાના રૂા.3.82 લાખના દાગીના ચોરનાર દંપતી ઝડપાયું

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપોમાં રાજકોટની બસમાં ભીડનો લાભ લઈ થેલામાંથી ડબ્બો ચોરી લીધો
  • સીસીટીવી​​​​​​​ ફૂટેજ આધારે ઓળખાયેલું દંપતી ફતેગંજમાં દાગીના વેચવા જતાં પકડાયું

શહેરના સેન્ટ્રલ બસ ડેપો પર પ્લેટફોર્મ નંબર 6 પર બસમાં ચઢી રહેલી સુરેન્દ્રનગરની મહિલાના થેલામાંથી 3.82 લાખના દાગીનાની ચોરી થઈ હતી. બસમાં ચઢતી વખતે ભારે ગિરદીનો લાભ ઉઠાવી ઉઠાઉગીરે થેલામાંથી દાગીનાનો ડબ્બો કાઢી લીધો હતો. સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ કરી સીસી ટીવી ફુટેજના આધારે લીમખેડાના દંપતીને ઝડપી લઇ 3.88 લાખનો મુદ્દામાવ રીકવર કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં વહોરવાડમાં રહેતાં રશીદાબેન મુસ્તાકભાઇ દાઉદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમની પુત્રીના લગ્ન એમપીમાં થયા હોવાથી પતિ સાથે 6 તારીખે પુત્રીને તેડવા ગયાં હતાં.​​​​​​​જયાં રોકાયા બાદ તેમની પુત્રીના દાગીનાને પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકીને ડબ્બો થેલામાં મૂક્યો હતો અને ત્યારબાદ પુત્રી સાથે એમપીથી ટ્રેનમાં રાત્રે વડોદરા આવ્યાં હતાં. જ્યાંથી બસ ડેપોમાં ગયાં હતાં. જોકે રાજકોટની બસ વહેલી સવારે હોવાથી તેઓ ડેપોમાં રોકાયાં હતાં. ત્યારબાદ 11 તારીખે સવારે 5-45 વાગે પ્લેટફોર્મ નંબર 6 પર રાજકોટની બસ આવતાં તેઓ તેમાં બેસવા જતાં હતાં ત્યારે બસનાં પગથિયાં પર મુસાફરોની ભારે ભીડ હતી અને તે વખતે તેમનો થેલો સાધારણ ખેંયાયો હતો. પરંતુ તેમણે ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ તેમણે થેલામાં જોતાં દાગીનાનો ડબ્બો ચોરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

ડબ્બામાં સોનાની 5 તોલાની 4 બંગડી, 1 તોલાની સોનાની 3 વીંટી, સવા તોલાના સોનાનાં 2 નંગ બ્રેસલેટ, પોણા તોલાની સોનાની 1 ચેઇન અને અડધા તોલાની સોનાની 2 બુટ્ટી સહિતના દાગીના હતા. તેમણે કુલ 3.82 લાખના દાગીનાની ચોરી અંગેની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસે તમામ સીસી ટીવી ચેક કરતાં એક મહિલા અને પુરુષની સંડોવણી જણાઇ હતી.

દરમિયાન પોલીસને બાાતમી મળી હતી કે ફતેગંજ મંગલમમુર્તી કમ્પલેક્ષ પાછળની ગલીમાં દાગીના વેચવા એક મહિલા અને પુરુષ આવવાના છે, જેથી વોચ ગોઠવી દાગીના અને રોકડ તથા 2 મોબાઇલ ફોન મળી 3,88,500ના મુદ્દામાલ સાથે પર્વત બાબુ ભાભોર અને નિશા પર્વત ભાભોર (રહે, ચીલાગોટા, લીમખેડા)ને ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...