ગમખ્વાર અકસ્માત:કાર પલટીને બાઈક સવાર દંપતીને ભટકાઈ ,કાર સવાર યુવાનનું મોત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોત્રી- સેવાસી રોડ પર રાતના સમયે બનેલો ગમખ્વાર અકસ્માત
  • બાઈક સવાર દંપતી પૈકી ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર

ગોત્રી-સેવાસી રોડ પરથી પસાર થઈ રહેલી કાર પલટીને રોડની બીજી તરફ જતાં બાઇક સવાર દંપતી સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય 3 યુવકોને ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ બાઇક સવાર દંપતી પૈકી પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી ગાયત્રીનગરમાં રહેતો મનોજ કનુભાઈ માળી તેના પિતાની કાર લઈ મિત્રો સાથે સેવાસી ખાતે અન્ય એક મિત્રને મળવા ગયો હતો. ત્યાંથી તે શુક્રવારે રાતે પરત આવી રહ્યો હતો. તે સમયે ગોત્રી સેવાસી રોડ પર કેતકી રેસ્ટોરન્ટ સામે એકાએક મનોજ માળીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેમાં કાર પલટીને બાજુના રોડ પર આવી ગઈ હતી. આ સમયે તે રોડ પરથી ગોત્રી પ્રિયા ટોકીઝ પાસે આવેલા પુરવ ગોલ્ડ નામના ફ્લેટમાં રહેતા કેરોલ પરમાર પત્ની એન્જેલા સાથે ગોત્રી શાક માર્કેટથી ખરીદી કરી ઘરે જતા હતા. તેઓને મનોજની કારે ટક્કર મારી હતી.જેથી અફરાંતફરી મચી ગઇ હતી.

કાર પલટી જતાં તેમાં સવાર સેવાસી બાજપાઈનગરમાં રહેતો અને મનોજનો મિત્ર રાજ ધર્મેશભાઈ વાળા કારમાંથી ઉછળી નીચે પટકાયો હતો, જેનું ગંભીર ઇજાઓનાં કારણે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મનોજ અને અન્ય બે યુવકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ અકસ્માતમાં કેરોલ પરમારને ગંભીર ઇજા પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગોત્રી પોલીસે મનોજ માળી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...