રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવાના આપવામાં આવેલા આદેશ બાદ વડોદરામાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 11 ગુના નોંધી 11 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મકપુરામાં એક, પાણીગેટમાં એક, હરણીમાં એક, માંજલપુરમાં એક, વાડીમાં બે, રાવપુરામાં પાંચ મળી કુલ 11 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 5 જાન્યુઆરી 2013થી 11 જાન્યુઆરી 2013 સુધીમાં વડોદરા શહેરમાં કુલ 15 ગુના દાખલ કરી 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી ચાર આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરાઇ છે.
પાણીગેટમાં વ્યાજખોર 25 હજારનું મહિને 2500 વ્યાજ લેતો
માંજલપુર ગામમાં રહેતા અને ફરસાણની લારી ધરાવતા નિકુંજ ચંદ્રકાંત પટેલે સુનીલ કહાર (રહે. બાપોદ રંગ વાટિકા પાછળ, વડોદરા) પાસેથી ઓક્ટોબર 2022માં 25 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની અવેજમાં કોરો ચેક પણ આપ્યો હતો. તેમજ મહિને 2500 રૂપિયા વ્યાજ વસૂલતો હતો. જો વ્યાજ ના આપે તો નિકુંજ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વ્યાજખોર સુનીલ કહાર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાવપુરામાં પ્રણવ ત્રિવેદી સામે વધુ એક ગુનો દાખલ
શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર પ્રણવ ત્રિવેદી વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કારેલીબાગની સાધનાનગર સોસાયટીમાં રહેતા આનંદ અરૂણકુમાર મહેતાએ આક્ષેપ કર્યો છે કે, તેમણે પ્રણવ ત્રિવેદી પાસેથી 7 લાખ 47 હજાર રૂપિયા લીધા હતા. જેની સામે 18 લાખ 22 હજાર રૂપિયા ચુકવી દીધા છતાં વધુ 12 લાખ 60 હજારની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
વાડી પોલીસ સ્ટેશનમાં જીવણ ભરવાડ સામે ગુના દાખલ
આ સિવાય હરણી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર મહેશ નંદલાલ છતાણી (ચાંદવાણી), વાડી પોલીસ સ્ટેશનમાં જીવણ ભરવાડ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.