ભાંડો ફૂટ્યો:પશુપાલકો પાસે પૈસા લઈ માહિતી આપતો ઢોર પાર્ટીનો કર્મી ઝડપાયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાની ટીમ પહેલાં પશુપાલકો પહોંચતા હતા
  • ​​​​​​​કર્મીના​​​​​​​ ઘરેથી 4 ગાય પકડાઈ, ગાય ક્યાંથી લાવ્યો તેની તપાસ

પાલિકાની ઢોર પાર્ટીનો કર્મચારી નાણાં લઈને પશુપાલકોને માહિતી આપતો હોવાની બાતમી મળતાં તેમજ તેનાં જ પશુઓ સિટીમાં ખુલ્લામાં ફરતાં હોવાનું જાણવા મળતાં ગુરુવારે ઢોર પાર્ટીની ટીમે કાળુપુરામાં રાખેલી કર્મચારીની જ 4 ગાયને પકડી ઢોર ડબ્બામાં પૂરી છે. તે ક્યાંથી ગાયો લાવ્યો તે અંગેની આગળની તપાસ શરૂ કરાઈ છે.

મેયર કેયુર રોકડિયાને બુધવારે માહિતી મળી હતી કે, ઢોર પાર્ટીમાં નોકરી કરતો એક કર્મચારી નાણાં લઈ ઢોર પાર્ટીની માહિતી પશુપાલકોને આપે છે અને તે ખુદ પોતાની પાસે ગાયો રાખે છે, જે કાળુપુરામાં ખુલ્લામાં ફરે છે. માહિતી મળતાં જ ઢોર પાર્ટીની ટીમ એક્શનમાં આવી હતી.

ટીમે સવારે જ કાળુપુરા ખાતે કર્મચારી જ્યાં ગાયો રાખતો હતો ત્યાં પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં 4 ગાયો મળી આવી હતી. ઢોર પાર્ટીએ 4 ગાયને ઝડપી લઈ ઢોર ડબ્બામાં પૂરી હતી. કર્મચારી પાસે ગાય ક્યાંથી આવી તે અંગે ચર્ચા ફેલાઈ છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, ગાય પર ટેગિંગ થયેલું છે. તે ગાય ઢોર ડબ્બાની હતી કે તેની પોતાની હતી તે અંગે તપાસ કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઢોર પાર્ટી કોઈ વિસ્તારમાં કામગીરી કરવા નીકળે ત્યારે ટીમ પહેલાં પશુપાલકો ત્યાં પહોંચી જઈ વિસ્તારને ગાયમુક્ત બનાવી દેતા હતા. તેવામાં ખુદ પશુપાલકોએ જ કર્મચારી પર નાણાં લીધાના આક્ષેપ કરતાં હવે જો યોગ્ય તપાસ કરવામાં આવે અન્ય માહિતી આપતા કર્મચારીઓની કરતૂત સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...