નીલકંઠધામ પોઈચામાં સ્વામિ નારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનનાં 75 વર્ષના અમૃત મહોત્સવના ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોના સન્માન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજર રહી ગૌમાતાનું પૂજન તથા તીર્થાલયનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે ગૌમાતા માટે 5 લાખનું દાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષાનો મહિમા વર્ણવતાં જણાવ્યું હતું કે, દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્કૃત છે. સ્વામિનારાયણના સંતોએ ગુરુકુલની શાસ્ત્ર પરંપરાને જીવંત રાખી છે. યુવા પેઢીને વ્યસનમુક્તિ, જળ બચાવો, ગૌમાતાનું સંવર્ધનની સાથે રાષ્ટ્રભક્તિની સાથે ઉચ્ચ સંસ્કારોનું નિર્માણ સ્વામિનારાયણની સંસ્થાઓ કરી રહી છે. દુનિયાની જે જાતિ અને કોમમાં સંગઠિતતા, પ્રેમભાવની સાથે વિચારોની એકતા હોય છે તે સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે તેવો મત રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.
નિલકંઠધામના સ્થાપક ધર્મવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું કે, માનવ અને રાષ્ટ્રને અનુસાશન કરે તે શાસ્ત્ર છે. રાજકોટ ગુરુકુલની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઊજવાઇ રહેલા અમૃત મહોત્સવના અવસરે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી સંસ્કૃતના પંડિતો, વિશ્વ વિદ્યાલયના જ્ઞાતાઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે. ગુરુકુલના માધ્યમથી ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવામાં આવતું હોવાની વિગતો તેમણે આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.