વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર રહેતા અને એલ્યુમિનિયમના બારી-દરવાજા બનાવવાનો વેપાર કરતા વેપારીએ 10 ટકા વ્યાજે લીધેલા 1 લાખ રૂપિયાનું નિયમિત વ્યાજ ચૂકવવાનું બંધ કરતા વ્યાજખોરે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મિત્ર દ્વારા સંપર્ક થયો
વડોદરા શહેરના સમા-સાવલી રોડ ઉપર 105, વરદાન રેસિડેન્સીમાં રમેશભાઇ હેમચંદ્રભાઇ પરમાર પત્ની અને બે સંતાનો સાથે રહે છે અને જુના છાણી જકાતનાકા પાસે આર.એલ. એસ્ટેટમાં એલ્યુમિનિયમના બારી-દરવાજાનું કામ કરી ગુજરાન ચલાવે છે. વર્ષ-2020માં તેઓને તેઓના મિત્ર બોબી ભરવાડ (રહે. ટી.પી.-13, છાણી રોડ) દ્વારા વર્ષ-2022માં વ્યાજનો ધંધો કરતા કિશન ભરવાડ (રહે. ટી.પી.-13, છાણી જકાતનાકા) સાથે સંપર્ક થયો હતો.
પ્રતિદિન રૂ.2 હજાર વ્યાજ ચૂકવતા હતા
એલ્યુમિનિયમના બારી-બારણાં બનાવતા વેપારી રમેશભાઇ પરમારને વર્ષ-2023માં નાણાંની જરૂર પડી હતી. જેથી તેઓએ કિશન ભરવાડ પાસે 10 ટકાના વ્યાજે રૂપિયા 1 લાખ લીધા હતા અને રકમના દર મહિને રૂપિયા 10 હજાર 12 માસ સુધી રૂપિયા 1,20,000 ચૂકવી દીધા હતા. આ રકમ ચૂકવી દીધા બાદ પુનઃ રૂપિયા 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા અને પ્રતિ
દિન રૂપિયા 2000 વ્યાજ આપવાનું નક્કી કર્યું હતું.
વેપારીએ 46 હજાર ચૂકવ્યા હતા
વેપારી રમેશભાઇ પરમારે 23 માસ સુધી 2 હજાર પ્રમાણે રૂપિયા 46,000 ચૂકવી દીધા હતા. દરમિયાન રમેશભાઇ પરમાર ધંધો સારો ચાલતો ન હોવાથી પ્રતિદિન રૂપિયા 2000 વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દેતા કિશન ભરવાડ રમેશભાઇના કારખાના ઉપર પહોંચી ગયો હતો અને વ્યાજ ચૂકવવાનું કેમ બંધ કરી દીધું છે. તેમ જણાવી અપશબ્દો બોલી બાકી વ્યાજ ચૂકવવા માટે ધમકી આપી હતી.
સારું પરિણામ નહીં આવે
જોકે, વ્યાજખોર કિશન ભરવાડે વેપારીને ધમકી આપવા છતાં, બાકી રહેલી વ્યાજની રકમ ચૂકવી શક્યા ન હતી. જેથી રોષે ભરાયેલ વ્યાજખોરે 10 ટકાના વ્યાજે આપેલા રૂપિયા 1 લાખના બદલે રૂપિયા 2 લાખ ચૂકવવા માટે દબાણ શરૂ કર્યું હતું. ત્યારે વેપારીએ રમેશભાઇએ જણાવ્યું કે, મેં 23 માસ સુધી પ્રતિદિન 2 હજાર પ્રમાણે 46,000 ચૂકવી દીધા છે. તો રૂપિયા 2 લાખ શા માટે માંગો છો. ત્યારે વ્યાજખોર કિશન ભરવાડે જણાવ્યું હતું કે, રૂપિયા 46 હજાર વ્યાજમાં ગણી લેવામાં આવ્યું છે અને હવે તમારે રૂપિયા 2 લાખ ચૂકવવા પડશે. જો નહીં ચૂકવો તો પરિણામ સારું આવશે નહીં તેવી ધમકી આપી હતી.
પોલીસ મથકમાં ફરિયાદ
વ્યાજખોર કિશન ભરવાડની ધમકી અને ત્રાસથી કંટાળેલા વેપારી રમેશભાઇ પરમારે ફતેગંજ પોલીસ મથકમાં વ્યાજખોર કિશન ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.