રખડતા ઢોરોનો ત્રાસ યથાવત:હરણી રોડ પર 75 વર્ષનાં વૃદ્ધાને ગાયે ભેટી મારી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા દોઢ મહિનામાં આઠમો બનાવ બન્યો

શહેરના હરણી રોડ ખાતે રહેતાં 75 વર્ષીય વૃદ્ધાને મંગળવારે સાંજે ગાયે અડફેટે લીધાં હતાં. ઘટનામાં ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઢોર પાર્ટીની ઢીલી કામગીરીને કારણે શહેરમાં રખડતાં ઢોર દ્વારા ભેટી મારવાના બનાવો છાશવારે બની રહ્યા છે.

સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હરણી સવાદ ક્વાર્ટર્સ ખાતે રહેતાં 75 વર્ષીય ભગવતીબેન જાદવ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઊભાં હતાં ત્યારે ગાયે તેમને ભેટી મારી હતી. બનાવને પગલે દોડી આવેલા સ્વજનોએ તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત્ રહ્યો છે. છાશવારે લોકો રખડતાં ઢોરથી ઈજાગ્રસ્ત થવાના બનાવ નોંધાતા રહે છે. કોર્પોરેશનના રખડતાં ઢોર પકડવાના અભિયાન વચ્ચે આ બનાવો નાગરિકોના જીવને કેટલું જોખમ છે તે જણાવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા શરૂ થયેલા અભિયાન બાદ 1 જાન્યુઆરી સુધીમાં 37 દિવસમાં 7 વ્યક્તિને ગાયે ભેટી મારવાના બનાવ નોંધાયા હતા, જ્યારે મંગળવારના રોજ આઠમો બનાવ સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયો છે.

આજવા રોડ પર પશુ પાલકે ગાયો દોડાવતાં બાઇકચાલક પટકાયો
હાઈવેથી આજવા રોડ તરફ આવી રહેલા ટુ વ્હીલર ચાલકને સામેથી આવી રહેલી ચાર ગાય દ્વારા અડફેટે લેતા ટુ વ્હીલર ચાલકને ઇજાઓ પહોંચી હતી તેમજ વાહનને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત અંગે ટુ વ્હીલર ચાલક અશ્ફાક શેખે જણાવ્યા મુજબ ગોપાલક ગાયને દોડાવી રહ્યા હતા, જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાયને પગે ઈજાઓ પહોંચી હતી. એકત્ર થયેલા લોકટોળાએ ગોપાલકને ઉધડો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...