વડોદરામાં તસ્કરોનો આતંક:વારસિયાની નવયુગ સોસાયટીમાં મળસ્કે 75 વર્ષીય વૃદ્ધાને બંધક બનાવ્યાં બાદ 3 વ્યક્તિનો હુમલો, 94 હજારની લૂંટ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનારા પરમેશ્વરીબેન આહુજા. - Divya Bhaskar
ભોગ બનનારા પરમેશ્વરીબેન આહુજા.
  • લૂંટારા દાગીના અને રોકડ લૂંટી ગયા, ડોગ-સ્ક્વોડની મદદ લેવાઈ

વારસિયામાં વિસ્તારમાં ગુરુવારે મળસ્કે 3 લૂંટારાઓએ ઘરમાં પ્રવેશી વૃદ્ધાને બંધક બનાવીને માર માર્યા બાદ તેમણે પહેરેલાં ઘરેણાં અને કબાટમાંથી રોકડ રકમ સહિત 94 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. વૃદ્ધાએ તાત્કાલિક પોતાના દીકરાને આ અંગે જાણ કરતાં તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી લૂંટારાઓની ફિંગરપ્રિન્ટ લીધી છે અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. સોસાયટીમાં સીસીટીવી કેમેરા ન હોવાથી કોઈ કડી મળી નહોતી.

સોનાના દાગીના અને કબાટમાંથી રોકડ રકમની લૂંટ
વારસિયામાં ધોબી તળાવ પાસે આવેલી નવયુગ સોસાયટીમાં વેપારી પ્રેમ આહુજા સંયુક્ત કુટુંબમાં રહે છે. ગત રાત્રે 11 વાગ્યાના સુમારે તેઓ પત્ની સાથે મકાનના ઉપરના માળે સૂવા ગયા હતા અને તેમનાં 75 વર્ષિય માતા પરમેશ્વરી બહેન ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં સૂતાં હતાં. દરમિયાન મળસ્કે 3 વાગ્યાના સુમારે ઘરના પાછળના દરવાજેથી 3 લૂંટારાઓ ઘૂસ્યા હતા. લૂંટારાઓએ પ્રેમ આહુજાનાં માતાના રૂમમાં પ્રવેશીને તેમને ધમકાવી કપડા વડે બાંધી દઈ તેમણે પહેરેલા સોનાના દાગીના અને કબાટમાંથી રોકડ રકમની લૂંટ કરી હતી.

ચોરી કરી લૂંટારાઓ પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા
આ દરમિયાન વૃદ્ધાએ પોતાના બચાવ માટે બૂમો પાડવા જતાં લૂંટારાઓએ તેમનું મોઢું દબાવી તેમને માર માર્યો હતો. ત્યારબાદ લૂંટારાઓ પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા હતા. જે પછી વૃદ્ધાએ મહામહેનતે પોતાની જાતને છોડાવી દીકરાના રૂમમાં ગયાં હતાં અને લૂંટ વિશે જાણ કરી હતી.

લૂંટારાના આતંકથી લોકોમાં ભારે ભય
આ અંગે પ્રેમ આહુજાએ જણાવ્યું હતું કે, લૂંટારાઓ ઘરમાંથી કુલ 94 હજારની મતા લૂંટી ગયા છે. તેઓ કોઈ સાધનથી અંદરથી બંધ સ્ટોપર તોડીને પાછળના ભાગે ઘરમાં પ્રવેશ્યા હતા. વારસિયા વિસ્તારમાં લૂંટારાઓ લૂંટ કરી ફરાર થઇ જતાં લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ બનાવ અંગે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેં બૂમો પાડવાની કોશિશ કરતાં આંખ પર મુક્કા માર્યા
વહેલી સવારે મારા રૂમમાં આશરે 20 થી 25 વર્ષના 3 યુવકો મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરી પ્રવેશ્યા હતા. અવાજ આવતાં જ મારી ઊંઘ ઊડી ગઈ હતી અને રૂમમાં અજાણ્યા લોકોને જોતાં જ હું ઊભી થઈ ગઈ હતી. હું કંઈ પૂછું તે પહેલાં 3 માંથી 2 લૂંટારાએ મને ખભેથી પકડી લીધી હતી અને ત્રીજાએ હિન્દીમાં ધમકી આપી હતી કે, હમે મારને પે મજબૂર મત કરો. છતાં મેં બચાવ માટે બૂમો પાડવાની કોશીશ કરતાં તેણે મને આંખ પર 3 થી 4 મુક્કા માર્યા હતા અને મારા હાથ-પગ બાંધી દીધા હતા.

75 વર્ષીય પરમેશ્વરીબેન આહુજા સાથેની વાતચીત
તે મારા હાથમાંથી સોનાના પાટલા ન કાઢી શકે તેથી મેં મુઠ્ઠી વાળી લીધી હતી, છતાં લૂંટારાઓએ જબરજસ્તી મારા પાટલા અને વીંટી કાઢી લીધાં હતાં અને કબાટમાં પડેલા રૂપિયા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે મારો મોબાઈલ શોધવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ તે નહોતા મળ્યો. મેં હાથ-પગમાં બાંધેલું કપડું જેમ-તેમ રીતે કાઢ્યું અને ઉપરના માળે જઈ મારા દીકરાને આખી ઘટના કહી હતી.

લૂંટારાએ પહેરેલો દોરો FSLમાં મોકલાયો
વારસીયામાં લૂંટનો બનાવ બન્યો હોવાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંક્યામાં પોલીસ કાફલો ધસી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર આવ્યાં હતા. લૂંટારા સુધી પહોંચી શકાય તે માટે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી. પોતાનો બચાવ કરવા માટે વૃદ્ધાએ લૂંટારાનો શર્ટ પકડવા જતાં તેણે પહેરેલો દોરો તૂટીને રૂમમાં નીચે પડી ગયો હતો. પોલીસે આ દોરો જપ્ત કરીને તેને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટ કરનારા જાણભેદુ હોવાની આશંકા
પ્રેમ આહુજાનાં પત્ની ભાવનાબેને જણાવ્યું હતું કે, છેલ્લાં 12 વર્ષથી મારાં સાસુ એકલાં જ નીચે સૂવે છે. રાત્રે કોઈ પણ તકલીફ હોય તો અમને ફોન કરીને જણાવે છે. અમને શંકા છે કે લૂંટારાઓને ખબર હશે કે મમ્મી નીચે એકલાં સૂવે છે.

અન્ય સમાચારો પણ છે...