તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીમાં હોટેલના બિઝનેસને માર:54 રૂમની એક હોટલ બંધ કરી દેવી પડી, 80% હોટલની રૂમો ખાલી ,50 DJ સંચાલકોએમ્યૂઝિક સિસ્ટમ વેચી બીજા વ્યવસાય શરૂ કર્યા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંશિક લોકડાઉનના 40 દિવસ બાદ આખરે મોલ ખૂલ્યા હતા. જોકે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મોલમાં ગ્રાહકોને ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી - Divya Bhaskar
આંશિક લોકડાઉનના 40 દિવસ બાદ આખરે મોલ ખૂલ્યા હતા. જોકે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મોલમાં ગ્રાહકોને ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી
  • કોરોનાકાળમાં હોટલ, જ્વેલરી, કાપડ સહિતના વેપારને 3 હજાર કરોડનો ફટકો
  • ટુરિઝમ વ્યવસાય ઠપ થતાં 300થી વધુ નાની-મોટી હોટલના સંચાલકોની હાલત કફોડી બની : જ્વેલર્સના વેપારીઓને રૂા.700 કરોડનું નુકસાન

કોરોના મહામારી દરમિયાન લોકડાઉન અને રાત્રિ કર્ફ્યૂ જેવા સરકારના નિર્ણયોના પગલે વડોદરા શહેરના હોટલ-રેસ્ટોરાં, ફરાસખાના, ડીજે સિસ્ટમ, જ્વેલરી અને કપડાં તેમજ નાના-મોટા બજારોના વેપારીઓને આશરે રૂા.3 હજાર કરોડનો ફટકો પડ્યો છે. 2 વર્ષથી ધંધો બંધ થતાં અનેક વેપારીઓ બેકાર થઈ ગયા છે. જેને પગલે તેમને પગાર, ટેક્સ, પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ ટુરિઝમનો વ્યવસાય ઠપ થતાં શહેરની હોટલ ઈન્ડસ્ટ્રીઝને રૂા.500 કરોડનું નુકસાન થયું છે. વડોદરામાં 300થી વધારે નાની-મોટી હોટલ અને 1 હજાર જેટલી રેસ્ટોરાં છે. જે પૈકી 80 ટકા હોટલોનાં રૂમ ખાલી પડી રહ્યાં છે. અલકાપુરીમાં આવેલી એક્સપ્રેસ રેસિડન્સી હોટલ કોરોના મહામારી દરમિયાન બંધ કરવાનો વારો આવ્યો છે.

હોટલ ઇન્ડસ્ટ્રી : કોઇ રોકાવા આવતું નથી, 500 કરોડની ખોટ
હોટલ એસો.પ્રમુખ અશ્વિન ગાંધીએ જણાવ્યું કે, તેમની અલકાપુરીમાં આવેલી 54 રૂમની હોટલ કોરોનામાં બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ શહેરની 80 ટકા હોટલ ખાલી પડી છે. હાલ કોરોનાના પગલે ટુરીઝમ બંધ હોવાથી અને મોટાભાગની મિિટંગ ઓનલાઈન થતી હોવાથી હોટલમાં રોકાવા કોઈ આવતું નથી. વડોદરા હોટલ ઈન્ડસ્ટ્રીઝને કોરોનામાં આશરે 500 કરોડનો ફટકો પડ્યો છે.

જવેલરી બજાર : લોન ભરવા પૈસા નથી, કારીગરો બંગાળ જતા રહ્યા
વડોદરા જ્વેલર્સ એસો.ના પ્રમુખ અતુલ શાહે જણાવ્યું હતું કે, વડોદરામાં કુલ 1 હજાર જેટલી સોના-ચાંદીની દુકાનો છે. કોરોના કાળમાં જ્વેલર્સના વેપારીઓને 700 કરોડનો ફટકો પડ્યો છે. કર્મચારીઓનો પગાર, ધંધાકીય હેતું માટે લીધેલી વિવિધ પ્રકારની લોનનું વ્યાજ ચુકવવા પણ પૈસા નથી. બીજું કે વડોદરામાં બંગાળી કારીગરો જ્વેલર્સને ત્યાં કામ કરતા હતા, જે બંગાળ ચાલ્યા ગયા છે.

ફરાસખાના- સાઉન્ડ : વેપારીઓ બેકાર બન્યા,10 કરોડનું નુકસાન
સાઉન્ડ એન્ડ લાઈટ એસો.ના પ્રમુખ અશોક મારવાડીએ જણાવ્યું કે, શહેરમાં 300થી વધુ ડીજે સિસ્ટમ ધરાવનાર વેપારી છે. કોરોનામાં તમામ ડીજે સાઉન્ડ સિસ્ટમ ધરાવનાર વેપારીને ઘરે બેસવાનો વારો આવ્યો છે. જેમાંથી 50 વેપારીઓ સિસ્ટમ વેચી બીજે નોકરી કરી રહ્યાં છે. મંડપ, ડેકોરેશન, સાઉન્ડ, લાઈટ, પાર્ટી પ્લોટ તેમજ ડીજે સહિતના વેપારીને 10 કરોડથી વધુ નુકસાન પહોચ્યું છે.

ટ્રાવેલ્સ ઉઘોગ : કંપનીમાં બસ મૂકતાં આંશિક રાહત
ટ્રાવેલ્સ એસો.ના મનીષ શાહે જણાવ્યું કે, કોરોનાકાળમાં ટ્રાવેલ્સ વ્યવસાયને નુકસાન ગયું છે. ઘણા ટ્રાવેલ્સ સંચાલકોએ બસો કંપનીઓમાં મૂકી છે.જેથી હાલ પૂરતા નફો તો નથી કરી શક્યાં, પરંતુ તેઓ તરી ગયા છે. વડોદરામાં કોઈ ટ્રાવેલર્સે કોરોનાના કારણે બસ વેચવા કાઢી હોય તેવો વારો હજુ સુધી આવ્યો નથી.

કાપડ બજાર : ખર્ચ કાઢવો મુશ્કેલ,300 કરોડનો ફટકો
ગૌરી સાડીના માલિક લાલાભાઈ શાહે જણાવ્યું કે, શહેરમાં 500 કાપડની દુકાનો છે. કોરોનાકાળમાં 250 થી 300 કરોડનું નુકસાન થયું છે. વેપારીઓને પોતાના કર્મચારીઓના પગાર,વિવિધ પ્રકારની લોન તેમજ પરિવારના ભરણપોષણ કેવી રીતે કરવું તેના પર પણ પ્રશ્નો ઉદભવ્યા છે, જે અંગે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે.

સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય બંધ કરી અન્યત્ર વળ્યા
સરકારે સાઉન્ડ એન્ડ સિસ્ટમ વ્યવસાય પર કોરોના મહામારીમાં રોક લગાવી છે.જેથી હાલ પૂરતો બંધ કરીને સોલાર પેનલનો વ્યવસાય કરી રહ્યો છું.> રૂપેશ પટેલ, સૂર સાઉન્ડ એન્ડ લાઈટિંગ

2 વર્ષથી ધંધો ઠપ્પ છે. જેના પગલે ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થતા સાઉન્ડ સિસ્ટમ ગીરવે મુકવી પડી હતી. હાલ કેરીનો વેપાર કરું છું. > કુરેશી અબ્દુલ કાદર, પટેલ સાઉન્ડ

અન્ય સમાચારો પણ છે...