આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરાયું છે. 8મીએ સોમવારે 2.3 કિમી લાંબી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. રેલીમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના લોકો વસ્ત્રો પરિધાનો સાથે જોડાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ઘર પર તિરંગો ફરકાવી શકાય તે માટે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે.
જે અંતર્ગત સુરત અને હવે 8મી તારીખે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો તેમજ મંત્રીઓ આ યાત્રામાં જોડાશે. 8મી તારીખે સાંજના 5 વાગ્યે પોલોગ્રાઉન્ડ પ્રદર્શન મેદાન ખાતેથી તિરંગા યાત્રા નીકળશે. જે ખંડેરાવ માર્કેટ થઈ ભગતસિંહ ચોક, મહાત્મા ગાંધી નગરગૃહ, અમદાવાદી પોળ, ટાવર ચાર રસ્તા થઈ કોઠી ચાર રસ્તા ખાતે પૂર્ણ થશે. યાત્રામાં 1000 પોલીસ વિભાગના પ્લાટુન, શીટીમ, ઘોડે સવાર પોલીસ જોડાશે. તદુપરાંત મ.સ યુનિવર્સિટી, વિવિધ કોલેજો અને શાળાઓના 10,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાવાના છે.
તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યના સંગઠનો જેમાં કેરાલા, ઓરિસ્સા, પંજાબી, રાજસ્થાની અને બંગાળી એસોસિયેશનના લોકો તેમના પ્રાંતની વેશભૂષામાં સજ્જ થઈ તિરંગા યાત્રામાં જોડાશે. સાથે સાથે સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ તેમજ તેમના પ્રતિનિધિઓ અને નાગરિકો તથા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સ્પોર્ટ્સ ક્લબ અને શાંતિ સમિતિના સભ્યો જોડાશે. પાલિકા દ્વારા તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર માર્ગની બંને તરફ તિરંગા ઝંડાથી સુશોભિત કરવાનું નક્કી કરાયું છે. તેમજ રોડ પર ઠેર ઠેર યાત્રાનો સ્વાગત કરવા માટે વિવિધ નૃત્ય મંડળીઓ અને ડીજે ની ટીમો હાજર રહેશે.
24 સ્થળે ત્રિરંગા વેચાણ કેન્દ્ર ઊભું કરશે
પાલિકા 1 થી 19 વોર્ડમાં 24 સ્થળોએ તિરંગા વેચાણ કેન્દ્ર શરૂ કરશે. જેમાં અમિત નગર, વુડા સર્કલ, સંગમ ચાર રસ્તા, ખોડીયાર નગર, કારેલીબાગ પાણીની ટાંકી, ગોરવા, આઈનોક્સ પાસે, વાસણા રોડ રાણેશ્વર મંદિર ચાર રસ્તા, નટુભાઈ સર્કલ, ગોત્રી તળાવ, ઝાંસી કી રાણી સર્કલ, અક્ષરચોક, ખંડેરા માર્કેટ ચાર રસ્તા, લહેરીપુરા, માંડવી, સોમા તળાવ, માંજલપુર, તરસાલી માર્કેટ, સરસ્વતી ચાર રસ્તા, સુસેન ચાર રસ્તા અને માણેજા ખાતે રવિવારે 10 વાગ્યાથી તિરંગાનું વેચાણ થશે.
22 વર્ષ પૂર્વે ક્ષય-કેન્સરની જાગૃતિ માટે નીકળેલી તિરંગા યાત્રામાં હાથી-ઘોડાને મગાવાયા હતા
વર્ષ 2000માં સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના નેજા હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેનો ઉદ્દેશ્ય ક્ષય અને કેન્સર જેવા રોગો બાબતે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં 11 હાથી, 15 ઘોડા અને દર્દીઓના 15 ફ્લોટ્સ, સયાજીના તબીબો, નર્સ જોડાયા હતા. આ યાત્રા સયાજી હોસ્પિટલથી નીકળેલી તિરંગા યાત્રા સુરસાગર ખાતે પૂર્ણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.