વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટકથી વિશ્વામિત્રી તરફ જઈ રહેલી કાર પલટી ખાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવેલા 301, સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ બાલકૃષ્ણભાઈ જોષી (ઉ.58)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 8 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે મારો પુત્ર પરમ(ઉ.22) તેના મિત્ર આયુષ ઉર્ફે છોટુ સુરતીની અર્ટીગા કાર(GJ-06-HL-0923)માં બેસીને માંજલપુર અવધૂત ફાટકથી વિશ્વામિત્રી તરફ જઈ રહ્યો હતો. તે સમયે આયુશ ઉર્ફે છોટુએ સ્ટેઇરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેથી આયુશ ઉર્ફે છોટુને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
સારવાર દરમિયાન યુવાનનું મોત
જેથી મારા પ્રથમ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મારા દિકરાની સારવાર ચાલતી હોવાથી તે સમયે મેં પોલીસ ફરિયાદ નહોતી કરી. જોકે, સારવાર દરમિયાન મારા પુત્ર પરમનું મૃત્યું થતાં મેં કારચાલક આયુશ ઉર્ફે છોટુ સુરતી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા
વડોદરા શહેરના હરણી પોલીસને માહિતી મળી હતી કે, સંગમ હોટલ નજીક કારમાં બે શખ્સો મોબાઈલ ફોન ઉપર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના સ્થળેથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં ભારતનો દાવ હોય ત્યારે ભાવ દર્શાવે છે, જેમાં ભાવ અને સેશન્સ બોલાય છે. આ બંને શખ્સો ક્રિકેટ મેચનું પ્રસારણ મોબાઇલમાં નિહાળી હાર જીતના સોદા પોસ્ટિંગ કરતા હતા. આરોપીઓ વિષ્ણુ ઘનશ્યામ કાછિયા પટેલ (રહે. ઇન્દ્રપુરી સોસાયટી, હાલોલ) અને ઝાકીર મહંમદ ઘાંચી (રહે. હાલોલ ગામ, હાલોલ) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ક્રિકેટ મેચનો સટ્ટો કાપનાર હિતેશ વરિયા તેમજ ગોપાલ વાણંદ અને રવિ શાહને વોન્ટેડ જાહેર કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ ફોન તથા કાર સહિત 7.9 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાણી પીવાના બહાને પરિણીતાની છેડતી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સંગીતાબેન (નામ બદલ્યું છે) છેલ્લા કેટલાક સમયથી પતિ સાથે ડેસર તાલુકામાં રહેતા હતા. 13મી માર્ચની રાત્રે તેઓ પોતાના ઘરે એક્લા હતા. ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમડિયાની મુવાડી ગામે રહેતા સંગીતાબેનના કુટુંબી ભાઈ દીપક છત્રસિંહ ગોહિલ તેમના ઘરે આવ્યા હતા અને સંધ્યાબેન પાસે પીવા માટે પાણી માગ્યું હતું.
સંગીતાબેન પાણી લેવા માટે રસોડામાં ગયા હતા. તે સમયે દીપક પણ પાછળ પાછળ ગયો હતો. અને સંગીતાબેનની શારીરિક છેડતી કરી હતી. હેબતાઈ ગયેલા સંગીતાબેને પાછળથી આ અંગે પોતાના પતિને જાણ કરી હતી. પરંતુ દીપક કૌટુંબિક ભાઈ થતા હોય સમાજમાં બદનામી થશે. તેમ વિચારી પરિવારજનોએ સમાધાન હાથ કર્યું હતું. પરંતુ સમાધાન નિષ્ફળ જતાં સંગીતાબેને પતિ અને જેઠ સાથે ડેસર પોલીસ મથકે આવી દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધ નું મોત
વડોદરા શહેરના દુમાડ ચોકડી એક્સપ્રેસ વેના બ્રિજ નીચે અજાણ્યા વાહનની ટકરે 60 વર્ષીય મંગળભાઇ નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે ખસેડવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના અન્ય એક બનાવની મળતી વિગત મુજબ કમાટીબાગના કાલાઘોડા નજીકના ગેટ પાસે બે બાઈક સામસામે અથડાતા અવિનાશ રાજારામ તારસૂલીયા ( રહે. વુડાના મકાન)ને ઈજા પહોંચી હતી. આ બનાવો અંગે સબંધિત પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.