બળજબરી:વડોદરામાં 19 વર્ષીય યુવતીને હોટલમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ધમકી આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

શહેરના સમતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને જુના પાદરા રોડ પરની બેન્કર્સ હોસ્પિટલ પાસેથી બળજબરીથી અલકાપુરી ગરનાળા પાસેની હોટલમાં લઇ જઇને યુવકે દુષ્કર્મ કર્યું હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે આ બનાવમાં બે વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હતી. ફરિયાદમાં દુષ્કર્મ આચરનાર યુવાને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતી સોશિયલ મીડિયામાં યુવકના સંપર્કમાં આવી હતી.

સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ મિત્ર તરીકે વાતો કરતા
મળેલી માહિતી પ્રમાણે શહેરના સમતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ધોરણ 10 બાદ બેન્કર્સ હોસ્પિટલ ખાતેથી એચ.એ.ટીનો કોર્સ કરેલો છે. હાલ તે ધોરણ 12ની તૈયારી કરે છે. ત્યારે સોશિયલ મિડીયામાં તેના આઇડી પર આરુ શિંદે નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેથી યુવતીએ તેની પ્રોફાઇલ ચેક કરી ફોટા જોયા બાદ આરુ શિંદેએ યુવતીની પોસ્ટ લાઇક કરી હતી અને ત્યાર બાદ બંને મિત્ર તરીકે વાતો કરતા હતા.

યુવકે પ્રપોઝ કરતા યુવતીએ ના પાડી હતી
દરમિયાન આરુએ મારે તને મળવું છે, રુબરુ જોવી છે અને વાતો કરવી છે તેમ કહી યુવતીને પવનધામ રોડ પર મળવા બોલાવી હતી. જયાં આરુનું નામ આર્યન શિંદે (રહે, માધવ પાર્ક , ગોરવા) હોવાનું યુવતીને જાણવા મળ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે સામાન્ય વાતો થઇ હતી અને ચેટથી વાતો કરતા હતા. આર્યને હું તને લાઇક કરું છું તેમ પણ કહ્યું હતું. આર્યને પ્રપોઝ કરતાં યુવતીએ ના પાડી હતી.

ફોન કરી મળવા આવ્યો હતો
ગત 26 ઓકટોબરે યુવતીએ જુના પાદરા રોડ પર બેંકર્સ હોસ્પિટલ ખાતે એચએટીનો કોર્સ કર્યો હોવાથી સર્ટીફિકેટ લેવા માટે તેની મિત્ર સાથે બેન્કર્સ હોસ્પિટલમાં ગઇ હતી. જો કે સર્ટીફીકેટ પાદરા હોસ્પિટલમાંથી મળશે તેમ કહેતા તે બેન્કર્સ હોસ્પિટલના પાર્કીંગમાં ઉભી હતી ત્યારે આર્યનનો ફોન આવ્યો હતો અને તું ક્યાં છે તેમ પુછી તેને મળવા બેન્કર્સ હોસ્પિટલ પાસે આવ્યો હતો. ત્યારબાદ આર્યને તું મારી સાથે ચાલ તેમ કહેતા યુવતીએ જે વાત કરવી હોય તે અહી કર તેમ કહેતા આર્યને તેના મિત્ર નિખીલ ભાલેકર(રહે, બેંકર્સ હોસ્પિટલ પાસે) ને ફોન કરી બોલાવતાં નિખીલ આવ્યો હતો.

યુવતીની સંમતિ વગર જ દુષ્કર્મ કર્યું
નિખીલ યુવતી સાથે સ્કૂલમાં ભણતો હોવાથી તે તેને ઓળખતી હતી. તેણે ધમકી આપી હતી કે તું આર્યનની બાઇક પર બેસી જા. યુવતીએ ના પાડતાં મારવાની ધમકી આપી આર્યન બાઇક પર બેસાડી યુવતીને અલકાપુરી ગરનાળાની આસપાસમાં આવેલી કોઇ હોટલમાં લઇ ગયો હતો. તે સમયે યુવતીનું આધાર કાર્ડ તેની મિત્ર પાસે હોવાથી નિખીલ તેની ગાડી લઇને ગયો હતો અને આધાર કાર્ડનો ફોટો પાડી આર્યનને મોકલ્યો હતો અને ત્યારબાદ રુમમાં લઇ જઇ આર્યને યુવતી સાથે બળજબરી કરીને યુવતીની સંમતિ વગર જ દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ બેન્કર્સ હોસ્પિટલ પાસે મુકી ગયો હતો. આ અંગેની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મ બાદ યુવતીને ધમકી આપી
દુષ્કર્મ કર્યા બાદ આર્યને યુવતીને તું કોઇને પણ વાત કરીશ તો તું ઘરની બહાર નિકળીશ ત્યારે મારી નાખીશ તેવી ધમકી આપતાં યુવતી એ કોઇને વાત કરી ન હતી પણ ત્યારબાદ તે ઉદાસ હોવાથી માતાએ પુછપરછ કરતાં યુવતીએ સઘળી હકિકત વર્ણવી હતી. જેથી યુવતી પોલીસ પાસે ફરિયાદ કરવા આવી હતી. પોલીસ મોડી સાંજે યુવતીને સાથે રાખી અલકાપુરી વિસ્તારમાં પહોંચી હતી અને ક્યાં દુષ્કર્મ કરાયું હતું તેની તપાસ આદરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આર્યન પહેલાં કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને હાલ બેકાર છે જ્યારે નિખીલ પણ બેકાર છે.