ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:વડોદરા જિલ્લામાં ખનીજોનું ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ અટકાવવા 3 વર્ષમાં 964 કેસ કર્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી - Divya Bhaskar
વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરો સામે કાર્યવાહી
  • દંડ પેટે 16.94 કરોડ રૂપિયાની વસૂલાત કરી

વડોદરા જિલ્લામાં ખનીજોનું ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ અટકાવવા 3 વર્ષમાં 964 કેસ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરી દ્વારા કિંમતી ખનીજોનું બિન અધિકૃત ખનન, સંગ્રહ અને વહન અટકાવવા સતત સતર્કતા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને કાર્યવાહી ને આધારે દંડ વસૂલ કરવામાં આવે છે. આ કાર્યવાહીમાં સ્થાનિક લોકો, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી તથા પોલીસ તંત્રનો જરૂરી સહયોગ લેવામાં આવી રહ્યો છે.

વાહનો જપ્ત કરવા સહિતના પગલાં લેવાયા
ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે ખનીજ ચોરીની અટકાયત અને દંડનીય વસૂલાતની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ખનીજોનું ગેર કાયદે ખોદકામ, વહન અને સંગ્રહની અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારાઓ સામે 2019/20માં 351, 2020/21માં 255 અને 21/22 માં 358 મળીને, આ સમયગાળામાં સમગ્ર જિલ્લામાં કુલ 964 કેસો કરવામાં આવ્યા છે અને જરૂર હોય તેવા કેસોમાં પોલીસ ફરિયાદ કરવાની સાથે આ પ્રવૃત્તિમાં વપરાતા વાહનો જપ્ત કરવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

16.94 કરોડ રૂપિયાના દંડન વસૂલાત કરી
આ કેસોના કસૂરવારો પાસેથી ઉપરોક્ત સમયગાળા દરમિયાન દંડ પેટે રૂપિયા 1694.84 લાખની દંડનીય વસુલાત કરવામાં આવી છે. જ્યારે આ સમય ગાળા દરમિયાન લીઝ ધારકો અને પરવાનેદારો પાસેથી કાયદેસરની પ્રવૃત્તિઓ માટે રૂપિયા 25708.45 લાખની મહેસૂલી આવક સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી છે. સાવલી તાલુકાના ભાદરવા નટવરનગર, બહિધરા, વાંકાનેર અને ભાદરવા ગામોના વિસ્તારમાંથી વર્ષ 21/22માં 36 અને 22/23ના એપ્રિલ માસ સુધીમાં 4 મળીને કુલ 40 કેસ ખનીજોનું ગેરકાયદે ખોદકામ, વહન અને સંગ્રહ કરનારાઓ સામે કરવામાં આવ્યા છે અને કસૂરવારો પાસેથી રૂપિયા 71.55 લાખની દંડનીય વસૂલાત કરવામાં આવી છે.

લોક ફરિયાદોની તપાસ કરવામાં આવે છે
વડોદરા જિલ્લા કચેરી દ્વારા સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ અંગે મળતી લોક ફરિયાદોની અવારનવાર તપાસ કરવામાં આવે છે અને ગેર કાયદેસર ખનીજોનું ખનન / વહન ધ્યાનમાં આવ્યેથી વાહન જપ્તી સહિત નિયમો પ્રમાણે કાર્યવાહી અને પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. જિલ્લા કચેરીની ટીમો ઉપરાંત સ્થાનિક ટીમો પણ અવારનવાર તપાસ કરે છે. આ દંડનીય કાર્યવાહી આડે અવરોધ ખડો કરવા અને બિન અધિકૃત આર્થિક લાભો મેળવવા , પોતાના વિવાદો/ ઝઘડાઓને લઈને સ્થાનિક પંચાયતોના અને ખનીજના ધંધામાં સંકળાયેલા જૂથો વિવિધ પ્રકારના આક્ષેપોનો સહારો લે છે તેમ છતાં, ખાણ અને ખનીજ ખાતું તેનાથી વિચલિત થયા વગર નિર્ભયતાપૂર્વક અને તટસ્થતા સાથે જરૂરી કાર્યવાહી કરે છે અને કરતું રહેશે. સ્થાનિક લોકોનો પણ ખનીજ ચોરી અટકાવવામાં આવકારદાયક સહયોગ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...