તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલોમાં દર્દીઓ રામભરોસે:વડોદરાની 96 હોસ્પિટલો પાસે ફાયર NOC જ નથી, ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી ફાયરબ્રિગેડે 5 હોસ્પિટલને સીલ કરી

વડોદરા19 દિવસ પહેલા
વડોદરામાં કુલ 646 હોસ્પિટલો આવેલી છે. જે પૈકી 96 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી
  • ફાયરબ્રિગેડે અગાઉ ફાયર સેફ્ટીની NOC લેવા માટે હોસ્પિટલ સંચાલકોને નોટિસો અપાઇ હતી

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા વિના વર્ષોથી ચાલી રહેલી 96 હોસ્પિટલો પૈકી 5 હોસ્પિટલને ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરવામાં આવી હતી. અનેક વખત ફાયર સેફ્ટી બાબતે નોટિસો આપવા છતાં, હોસ્પિટલ સંચાલકો દ્વારા ઊંઘ ઉડાવવામાં ન આવતા ફાયરબ્રિગેડ દ્વારા હોસ્પિટલોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા ફાયર સેફ્ટી વિના ચાલતી અન્ય હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોનો સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
કોરોનાકાળ દરમિયાન વડોદરા સહિત અનેક હોસ્પિટલોમાં નાના-મોટા આગના બનાવો બન્યા હતા અને આગમાં લોકોના મોત નીપજ્યાં હતા. ઉપરાછાપરી આગની બનેલી ઘટનાઓ બાદ હાઇકોર્ટે ફાયર સેફ્ટી બાબતે ટકોર કરી હતી. પરિણામે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરનાર મિલકતો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે શરૂ કરવામાં આવેલી કામગીરીના પગલે ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આજે વડોદરા ફાયરબ્રિગેડની વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી
આજે વડોદરા ફાયરબ્રિગેડની વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી

સીલ મારી તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં
ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરામાં કુલ 646 હોસ્પિટલો આવેલી છે. જે પૈકી 96 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી. આ હોસ્પિટલોને ફાયર NOC લેવા માટે નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં, હોસ્પિટલો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા આજે વડોદરા ફાયરબ્રિગેડની વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 5 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી જ્યાં હોસ્પિટલો ફાયર સેફ્ટી NOC નહીં લે ત્યાં સુધી ચાલુ રહેશે. આ કામગીરી માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. હોસ્પિટલને સીલ મારવાની કામગીરીમાં જે હોસ્પિટલને સીલ મારવામાં આવી હોઇ, તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં.

હોસ્પિટલમાં ખામી જણાય તો નોટિસ આપવામાં આવી રહી છે
સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકિંગ કરવામાં આવે છે અને હોસ્પિટલમાં ખામી જણાય તો નોટિસ આપવામાં આવી રહી છે. તે સાથે હોસ્પિટલોને સીલ કરવામાં આવી રહી છે. આજે સવારથી બપોર સુધીમાં ફાયરબ્રિગેડ દ્વારા મકરપુરા GIDC કોલોનીમાં આવેલી ચિરાગ ક્લિનીક એન્ડ નર્સિંગ હોમ, માંજલપુરમાં આવેલી દ્વારકેશ હોસ્પિટલ, ખોડિયારનગર વ્રજધામ સોસાયટી પાસે આવેલી સાંઇ હોસ્પિટલ અને આયુર્વેદિક ત્રણ રસ્તા, પાણીગેટ ખાતે આવેલી ચિરંજીવી ચિલ્ડ્રન હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. સાંજ સુધીમાં વધુ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવશે અને જે હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી નહીં હોય તે હોસ્પિટલોને સીલ મારવામાં આવશે.

જે હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી નહીં હોય તે હોસ્પિટલોને સીલ મારવામાં આવશે
જે હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી નહીં હોય તે હોસ્પિટલોને સીલ મારવામાં આવશે

NOC લેવા માટે હોસ્પિટલ સંચાલકોને નોટિસો આપવામાં આવી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા અંગેની NOC લેવા માટે હોસ્પિટલ સંચાલકોને નોટિસો આપવામાં આવી હતી. નોટિસો આપ્યા પછી પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા ફાયર NOC લેવામાં ન આવતા આજે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્ણભટ્ટની સૂચના અનુસાર સવારથી હોસ્પિટલોમાં ચેકિંગ કરીને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરના મકરપુરા વિસ્તારની હોસ્પિટલોને એનઓસી નહીં લેવા બદલ ફાયરબ્રિગેડ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરી નોટિસ ચોંટાડાઇ હતી.
શહેરના મકરપુરા વિસ્તારની હોસ્પિટલોને એનઓસી નહીં લેવા બદલ ફાયરબ્રિગેડ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરી નોટિસ ચોંટાડાઇ હતી.

કઈ હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી?

  • ચિરાગ ક્લિનિક, મકરપુરા
  • ચિરંજીવી ચિલ્ડ્રન હોસ્પિટલ, પાણીગેટ
  • સાંઈ હોસ્પિટલ, ખોડિયાર નગર
  • દ્વારકેશ હોસ્પિટલ, માંજલપુર
  • રેસ્ટિકેર, માંજલપુર
  • પ્રેમદાસ જલારામ, વારસિયા
  • આયુષ મલ્ટિ સ્પેશિયાલિટી, પાણીગેટ
  • યોગિની હોસ્પિટલ, પ્રતાપનગર

​​​​​​​ડી.જી. સેટ વગરની હોસ્પિટલો પર તવાઇ
કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા માત્ર ફાયર સિસ્ટમ નહીં, પરંતુ ડીજી સેટ પણ ન હોય તેવી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીલ મરાયેલી હોસ્પિટલો પૈકી કેટલી હોસ્પિટલો પાસે ફાયર સીસ્ટમ છે પરંતુ જનરેટર સેટ ન હોવાને પગલે સીલ મરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આગામી દિવસમાં પણ કામગીરી ચાલુ રહેશે
શહેરની હોસ્પિટલોને વારંવાર ફાયર સિસ્ટમ લગાડવા તેમજ એનઓસી માટે પ્રક્રિયા કરવા જણાવ્યું છે પરંતુ કેટલી હોસ્પિટલો દ્વારા આ અંગે ગંભીરતાથી કામગીરી થઈ નથી. જે પૈકી તેર જેટલી હોસ્પિટલોને પહેલા ચરણમાં સીલ મારવાની કામગીરી શરૂ કરાઇ છે આગામી દિવસમાં વધુ હોસ્પિટલો આવી શકે છે. > પાર્થ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર

અન્ય સમાચારો પણ છે...