તસ્કરી:શોરૂમના 9 કર્મીએ 4.39 લાખ વાહન વેરો ખિસ્સામાં સેરવ્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિરણ મોટર્સના ગ્રાહકોને પાલિકાની બોગસ રસીદ પધરાવી
  • વોર્ડ અોફિસરે ફરિયાદ નોંધાવતાં ઉચાપતનો ગુનો દાખલ કરાયો

શહેરના અક્ષર ચોક ખાતે આવેલ કિરણ મોટર્સના શોરૂમના નવ કર્મચારીઓએ ગ્રાહકો પાસેથી લીધેલા આજીવન વાહનવેરા ના 4.39 લાખ પાલિકામાં ભરવાને બદલે ઉચાપત કરી હતી. વોર્ડ નંબર છ ના વોર્ડ ઓફિસર જીતેન્દ્ર કૃષ્ણકાંત બ્રહ્મભટ્ટ એ પોલીસમાં અક્ષર ચોક ખાતે આવેલી કિરણ મોટર્સ લિમિટેડ ના રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરતા નવ કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કિરણ મોટર્સ ના જનરલ મેનેજર સુબ્રમણ્યમ દ્વારા કરાયેલી અરજીની તપાસ માં 44 વાહન વેરા ની રીસિપ્ટ પત્રક મોકલી રીસીપ્ટમાં જણાવ્યા મુજબનો આજીવન વાહનવેરો કોર્પોરેશનમાં ભરવામાં આવ્યો છે કે કેમ તેની માહિતી મગાઇ હતી. જેની તપાસમાં આ તમામ 44 રિસિપ્ટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. કિરણ મોટર્સના નવ કર્મચારીઓએ 1 માર્ચ 2019 થી 10 ફેબ્રુઆરી 2020 સુધી ગ્રાહકો પાસેથી આજીવન વાહન વેરાના પૈસા લઈ પાલિકાની બોગસ રીસીપ્ટ બનાવી રૂા.4.39 લાખની ઉચાપત કરી હતી.

આ રીતે કૌભાંડ પકડાયુંઃ 11 રસીદના નંબર પાલિકાના ચોપડે મેચ ન થયા
કિરણ મોટર્સના જનરલ મેનેજર સુબ્રમણ્યમ ઐયરે પોલીસને અરજી કરતા 44 જેટલા વાહન વેરાની રીસીપ્ટની તપાસ કરાઇ હતી. જેમાં ત્રણ રીસીપ્ટ વોર્ડ નંબર છમાંથી ઇસ્યુ રીસીપ્ટ નંબર સાથે મેચ થઈ હતી. પરંતુ ત્રણેય રિસિપ્ટમાં વાહન વેરો ભરનારના નામ, વાહનનો પ્રકાર અને કારની કિંમત સહિતની માહિતી જુદી-જુદી લખવામાં આવી હતી. જ્યારે અન્ય 11 રિસીપ્ટમાં કોર્પોરેશન દ્વારા કરાયેલ રીસિપ્ટ નંબર મેચ થયા ન હતા. 14 રીસીપ્ટ ખોટી રીતે બનાવવામાં આવી છે, જ્યારે બાકીની 30 રીસીપ્ટ અન્ય વોર્ડ નંબર વાળી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ કરતા બોગસ આજીવન વાહન કરની રીસીપ્ટ બનાવી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું.

કિરણ મોટર્સના 9 કર્મીની અટકાયત
જેપી પોલીસે ફરિયાદના આધારે કિરણ મોટર્સ લિમિટેડ નાં 9 રિલેશનશિપ મેનેજર રિઝવાન ઉસ્માન મન્સૂરી, કેયુર અશોકકુમાર ધામેચા, સાગર મોહનભાઈ પોખરેલ, ઋષભ અજીત કુમાર શાહ, કુણાલ સચિન સુપ્પા, સુમિત તુલસીભાઈ સિંધા, દર્શિત મનીષ જોષી, કેપરી મનન શાહ તથા કૃણાલ દેવશંકર ઓઝા ની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.તેમની પુછપરછ પણ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...