દિવાળીને પગલે 108 સેવા સજ્જ:વડોદરામાં 43 પૈકી 9 એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન જીવન રક્ષક સુવિધાઓ ઉભી કરાઈ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
108 એમ્બ્યુલન્સ. - Divya Bhaskar
108 એમ્બ્યુલન્સ.

દિવાળીના તહેવારમાં બીમારીઓ, અકસ્માતો, દાઝવા અને વાગવાની ઈજાઓ અને આરોગ્યની કટોકટીના સંજોગો સર્જાવાની શક્યતા રહે છે. જેને અનુલક્ષીને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીઝના છત્ર હેઠળ 108 સેવાના વડોદરા એકમે કયા પ્રકારની બિમારીઓ,ઈજાઓ, દાઝવાના બનાવોનું પ્રમાણ કેટલું વધી શકે એનો અનુભવ અને વિગત વર્ષોના સ્ટેટીસ્ટીક્સ આધારિત અંદાજ બાંધીને તહેવારોમાં આરોગ્ય અને જીવનની રક્ષા કરવાની સતર્કતા અને સુસજ્જતા વધારી છે.

108નું લક્ષ્ય જીવન રક્ષા એ માર્ગદર્શક સૂત્રનો ઉલ્લેખ કરતાં વડોદરા એકમના પ્રબંધક બિપીન ભટેરિયાએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારની આરોગ્ય કટોકટી આ સમયગાળામાં વધે છે એવા અનુભવને આધારે વડોદરા 108એ તેના વાહનો અને કર્મચારીઓને જરૂરી સાધન અને સુવિધાઓ સાથે સજ્જ રાખ્યા છે. તહેવારો દરમિયાન આ સેવાના કુલ 42 વાહનો શહેર જિલ્લાના નિર્ધારિત પોઇન્ટ પર તૈનાત રહેશે, જ્યારે સંજોગોવસાત કોઈ વાહન ખોટકાય તો તેની જગ્યા લેવા એક બેક અપ વાહન રાખવામાં આવ્યું છે. આમ,108ના કુલ 43 વાહનો આરોગ્ય અને જીવનરક્ષકની ભૂમિકામાં સજ્જ છે.

આ પૈકી 9 જેટલાં વાહનો વેન્ટિલેટર સહિતના તબીબી ઉપકરણો થી સજ્જ આઈ.સી.યુ.ઓન વ્હીલ્સ જેવા છે જ્યારે અન્ય 33 વાહનો જીવન રક્ષા માટે જરૂરી પાયાની સાધન સામગ્રીથી સજ્જ છે. વર્ષ દરમિયાન આવતા દિવાળી, ઉત્તરાયણ, હોળી જેવા વિવિધ તહેવારોમાં માંદગી અને આરોગ્યની કેવા પ્રકારની કટોકટીના પ્રમાણમાં કેટલો વધારો થઈ શકે એનો દાખલો પણ સેવા ગણી લે છે અને તે પ્રકારે સતર્કતા રાખવામાં આવે છે. આ કટોકટીઓને 21 શ્રેણીઓમાં અલગ તારવવામાં આવી છે.

દાખલા તરીકે દિવાળી એ ખાનપાનનો તહેવાર હોવાથી આ સમયમાં પેટના દુખાવાની ઘટનાઓ જે સામાન્ય દિવસોમાં 8.93 ટકા જેટલી રહે એ દિવાળીના દિવસે વધીને 11 ટકા, બેસતા વર્ષના દિવસે ઘટીને 3 ટકા અને ભાઈબીજના દિવસે ફરી વધીને 14 ટકા થવાની શક્યતા રહે. એ જ રીતે ડાયાબિટીસ અને હાઇપોગ્લાયસેમિયા ના કેસો બેસતા વર્ષ - ભાઈબીજના દિવસે વધી શકે.

વાહન અકસ્માત,પડવા વાગવા અને દાઝવાની ઈજાઓ થવાની શક્યતા આ દિવસોમાં સામાન્ય દિવસો કરતાં સારી એવી વધી શકે છે. અહર્નિશ જીવન રક્ષા સેવા એ 108 નો સંકલ્પ છે અને દિવાળીમાં સેવા ધર્મ નિભાવવા આ સેવા સુસજ્જ છે. તેની સાથે નાગરિકોને પણ આ પર્વને જરૂરી કાળજી અને તકેદારી સાથે ઉજવવા અનુરોધ કરે છે.

અન્ય સમાચારો પણ છે...