વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇશર ટેમ્પામાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. જેમાં 3 માતા અને 3 પુત્રના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાત્વંના પાઠવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
મૃતકોમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ
રાત્રે 3 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.
આમ, અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મેયર ડો. જિગીષા શેઠે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચીને 11 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોને તેમના વતન અને ઘર સુધી લઈ જવા વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિયેશને 3 એમ્બ્યુલન્સ ફાળવી હતી. જેમાં મૃતકોને ભાવનગર લઈ જવાશે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું...
અકસ્માતમાં 11 મૃતકોની યાદી
-સોનલબેન બીજલભાઇ હડીયા (ઉ.35) (મૂળ રહે, બામ્ભણિયા ગામ, મહુવા, હાલ રહે સુરત)-માતા
-ભવ્ય બિજલભાઇ હડીયા (ઉ. 8 વર્ષ) (મૂળ રહે, બામ્ભણિયા, મહુવા, હાલ રહે સુરત)-પુત્ર
-દક્ષા ઘનશ્યામભાઇ કલસરીયા (ઉ.35) (મૂળ રહે, ખાખબાઇ ગામ, રાજુલા, હાલ રહે સુરત)-માતા
-પ્રિન્સ ઘનશ્યામભાઇ કલસરીયા (ઉ.12) (મૂળ રહે, ખાખબાઇ ગામ, રાજુલા, હાલ રહે સુરત)-પુત્ર
-હંસાબેન ખોડાભાઇ જીંજાળા (મૂળ રહે, પાવઠી ગામ, તળાજા, હાલ રહે સુરત)-માતા
-ભૌતિક ખોડાભાઇ જીંજાળા (ઉ.15) (મૂળ રહે, પાવઠી ગામ, તળાજા, હાલ રહે સુરત)-પુત્ર
-દયા બટુકભાઇ જીંજાળા(ઉ.35) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)
-સચિન અરશીભાઇ બલદાણીયા (મૂળ રહે, ધોકળવા ગામ, ઉના, હાલ રહે સુરત)
-દિનેશ ઘુઘાભાઇ બદલાણીયા (ઉ.35) (મૂળ રહે, મોટાજાદરા ગામ, મહુવા, હાલ રહે સુરત)
-આરતી ખોડાભાઇ જીંજાળા (ઉ.18) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)
-સુરેશ જેઠા જીંજાળા (ઉ.32) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)
કેટલાક લોકોનાં ઊંઘમાં જ મોત થયાં
આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ટેમ્પામાં બેઠેલા લોકો એકબીજા સાથે અથડાતાં મૃત્યુ પામ્યા હતા. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પામાં ઊંઘી રહ્યા હતા, જેથી કેટલાક લોકોનાં તો ઊંઘમાં જ મોત થયાં હતાં.
સુરતના વરાછા અને પૂણા ગામના રહેવાસી હતા
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન મહુવા તાલુકાના રાજુલા અને ભાવનગર તથા મહુવાની આસપાસનાં ગામોના વતની છે. છેલ્લાં 20 વર્ષથી સુરતમાં રહેતા હતા. સુરતના વરાછા અને પૂણા ગામ પાસે આવેલી સીતારામ સોસાયટી અને આશાનગરમાં રહેતા હતા. હીરા અને કાપડ ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે 3 વાગ્યે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના વરાછા અને પૂણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
6 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તો અને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા
108 એમ્બ્યુલન્સના ઇન્ચાર્જ જિતેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કારેલીબાગ, નર્મદા ભવન, છાણી, અલકાપુરી, તરસાલી અને કપુરાઇની 6 એમ્બ્યુલન્સને ઇજાગ્રસ્તો અને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે કામે લગાડવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.