વડોદરામાં સમાવિષ્ટ કરાયેલાં નવાં 7 ગામોના બાકી વેરા બિલની વસૂલાત કરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરાયો છે. વોર્ડ વિભાજનના કારણે કરાયેલો 8 દિવસનો બ્લેક આઉટ અને રજાના કારણે મુદતમાં વધારો કરાયો છે. શહેરમાં 2 વર્ષ પહેલાં ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, કરોડિયા, ઉંડેરા અને વડદલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જોકે ગામમાં 2 વર્ષ દરમિયાન વિકાસનાં કોઈ કામો નહીં થયાં હોવાના આક્ષેપ સાથે 7 ગામના લોકોએ પાલિકા ખાતે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને 5 વર્ષ સુધી વેરાની વસૂલાત ન કરાય તેવી માગ કરી હતી. પાલિકાએ 7 ગામોમાં 47 હજાર બિલો આપ્યાં હતાં, જેમાં 28 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક હતો. વેરાબિલ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. ત્યારબાદ નવા સમાવિષ્ટ ગામોના લોકોને બિલ ભરવા 15 દિવસનો વધારો કર્યો હતો.
આજદિન સુધી પાલિકાએ 19 કરોડની વસૂલાત કરી છે અને 9 કરોડનાં લેણાં બાકી છે. પાલિકાએ વધુ એક વખત વેરાબિલ ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો છે. જે અંતર્ગત હવે 2 મે સુધી લોકો વેરો ભરી શકશે. પાલિકામાં રેવન્યુ વિભાગના એડિશનલ મ્યુ. કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા અનુસાર વોર્ડ વિભાજન વેળાએ 1 થી 8 એપ્રિલ સુધી બ્લેક આઉટ કર્યો હતો. તદુપરાંત 4 દિવસની રજા હોવાથી 15 દિવસનો સમય અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.